Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ભાવનગરમાં આશરે 200 વર્ષ જુના મહીલા બાગને રેઢિયાળ મનપાએ કચરાની ડંપિંગ સાઇટ બનાવી !!

મહિલા મેયર સ્થળે આવી વિકાસની વાતો કરી અને બાદમાં મહિલાઓની સામે કચરો ત્યાં જ મહિલા બાગમાં ઠાલવ્યો

ભાવનગરઃ સમગ્ર દેશમાં માત્ર રજવાડાના સમયમાં મળેલા બે મહિલા બાગ છે. જે પૈકી એક ભાવનગરનો આશરે 200 વર્ષનો થયેલો મહિલા બાગ છે. પણ આજના રાજકારણમાં તે કચરાનું હબ બની ગયું છે. ત્યારે પૂર્વ મેયર અને રજવાડાના રાજકુંવરીએ શાળાની દીકરીઓના સથવારે મહિલા બાગની સાફસફાઈ હાથ ધરી હતી. મહિલા મેયરને જાણ થતાં મહાનગરપાલિકાના કરેલા કાર્યને ઢાંકવા દોડી આવ્યાં હતાં.

ભાવનગરમાં ઘોઘાગેટ ચોકમાં આવેલો મહિલા બાગ બજારમાં ખરીદી કરવા આવતી મહિલાઓને વિસામો મળી રહે તેવા હેતુથી મહારાજાઓ દ્વારા મહિલાને સન્માન આપી સ્થાપિત કરવામાં આવ્યો હતો. વર્ષો પહેલા ઘૂંઘટમાં રહેલી મહિલાઓ ઘરમાંથી નીકળી બાળકોને ખિલખિલાટ કરાવી પોતે પણ આનંદ લૂંટી શકે માટે માત્ર મહિલાઓને પ્રવેશ મળે તેવા બાગનું નિર્માણ કર્યું હતું. ત્યારે એજ રજવાડાના દીકરીએ અને શહેરની અન્ય મહિલાઓએ મહિલા બાગને સ્વચ્છ અને પુનઃ મહિલાઓ માટે બાગ બને તે માટે સ્વયંભૂ સફાઈમાં લાગી હતી.
ભાવનગર મહિલા બાગની દશા મહાનગરપાલિકાએ કચરાના ડંપિંગ સાઇટ જેવી કરી છે. મહિલા બાગમાં વાવાઝોડાના શહેરમાં પડેલા વૃક્ષોના કચરાને ઠાલવ્યો છે તો ખાડા કરીને તેમાં વૃક્ષોનો કચરો નાખ્યો છે. વિકાસની વાતું કરતી ભાજપે મહિલા બાગની દુર્દશા કરતા રજવાડાના રાજકુંવરીબા બ્રિજેશ્વરીબા અને પૂર્વ મેયર રીનાબેન શાહ શાળાની દીકરીઓ અને અન્ય મહિલાઓના સથવારે બાગની સાફસફાઈ હાથ ધરી હતી. વૃક્ષોથી ભરપૂર બાગને કચરાનો ઢગ બનાવતા મહિલાઓમાં રોષ વ્યાપી ગયો છે. મહિલા મેયર કીર્તિબેન દાણીધરીયા પણ આવી પોહચ્યાં હતાં. સાફ સફાઈ ચાલતી હોવા છતાં મહાનગરપાલિકાના કચરો ત્યાં નાખવા આવતાં હતાં. મહિલા મેયર પણ સ્થિતિ જોઈ સ્તબ્ધ થઈ ગયાં હતાં.

  આશરે 200 વર્ષ જૂના મહિલા બાગ જેવી સુવિધા મહિલાઓના ભાગ્યમાંથી ભાજપના સત્તાધીશોએ છીનવી લીધી છે. 25 વર્ષના શાસનમાં બાગનો કોઈ ઉદ્ધાર થયો નહીં અને જ્યારે મહિલાઓ સાફ સફાઈ કરે છે છતાં પણ નિમ્ભર તંત્ર જેમ કચરો ત્યાં ઠાલવી રહી છે. વાવાઝોડામાં વૃક્ષોનો હિસાબ ન રાખનાર ગાર્ડન અધિકારી વૃક્ષો ક્યાં ગયાં તેનો જવાબ આપી શક્યાં નથી અને કમિશનરની પણ ઢીલી નીતિએ મહિલા બાગની દુર્દશા થઈ રહી છે. મહિલા આગેવાનો અને રજવાડામાં રોષ છે કે વારસામાં મળેલી પ્રજાની સુવિધાવાળી જગ્યાને સાચવવામાં આ સત્તાધીશો ઊણાં ઉતર્યા છે અને જતનના બદલે પતન કરી રહ્યાં છે.

(11:08 pm IST)