Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

જામનગર શહેર અને જીલ્લામાં તાવ, શરદી, ઉધરસના વધતા કેસ : બે જ દિવસમાં ૨૨૦ થી વધુ કેસો નોંધાયા

ગામડાઓમાં પણ શરદી, ઉધરસના કેસો વઘ્યા: જી.જી. હોસ્પીટલમાં દરરોજ તાવ અને શરદી ઉધરસના ૪૦ થી ૫૦ કેસ

જામનગર શહેર અને જીલ્લામાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી રહયા છે, માત્ર બે જ દિવસમાં ૨૨૦ થી વધુ કેસો નોંધાયા છે, ખાનગી હોસ્પીટલમાં ઓપીડી હાઉસફુલ થતી જાય છે, જામનગર તહેવારો આવે તે પહેલા જ રોગચાળાની ચુંગલમાં ફસાઇ ગયું છે, દિન પ્રતિદિન કેસો વધતા જાય છે, ગામડાઓમાં પણ રોગચાળો બેકાબુ બન્યો છે, જી.જી. હોસ્પીટલમાં દરરોજ ૪૦ થી ૫૦ કેસ તાવ, શરદીના આવતા હોવાનું પણ બહાર આવ્યું છે.

જામનગરની જી.જી. હોસ્પીટલ, સમર્પણ હોસ્પીટલ, ઇન્દુમધુ હોસ્પીટલ સહિતની એસટી રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પીટલોમાં ઓપીડીમાં વાઇરલ ઇન્ફેકશન તાવ, શરદી, ઉધરસના કેસો ખુબ જ વધી ગયા છે, શહેરમાં ઘેર ઘેર ખાટલા જોવા મળ્યા છે, ચારથી પાંચ દિવસ સુધી શરદી, ઉધરસ રહે છે, કોરોના બંધ થયો પરંતુ વાઇરલ ઇન્ફેકશન વધી ગયું છે. માત્ર બે જ દિવસમાં તાવ, શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેકશનના કેસો ખુબ જ વઘ્યા છે, સાતમ, આઠમના તહેવારો પણ નજીક આવે છે, જનજીવન થાળે પડી ગયું છે, એવા અરસામાં જ રોગચાળો વઘ્યો છે, ખાસ કરીને વૃઘ્ધો અને નાના બાળકોમાં પણ તાવના કેસોનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે.
જામનગરમાં ખુલ્લામાં વેચાતા ખાદ્ય પદાર્થો ઉપર સતત ચેકીંગ કરવું જોઇએ, થોડા સમય પહેલા પાણીપુરીના વિક્રેતાઓ અને રેકડીધારકો ઉપર તવાઇ બોલાવીને અખાધ જથ્થો નાશ કરવામાં આવ્યો છે, એક તરફ મિશ્ર સિઝન ચાલી રહી છે ત્યારે રોગચાળો દિન પ્રતિદિન વધતા લોકો પણ મુંજાઇ ગયા છે.

(8:09 pm IST)