Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

વૃક્ષોના સંવર્ધન માટે સરકાર અને સમાજની સંયુકત ભાગીદારી અનિવાર્યઃ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

કચ્છ જીલ્લા કક્ષાનો વન મહોત્સવ મુન્દ્રા તાલુકાના કુકડસરના વાંકલધામમાં શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ, તા. ૧૪ :. આજરોજ ૭૨માં વન મહોત્સવ ૨૦૨૧ અંતર્ગત ૭૨માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને મુન્દ્રા તાલુકાના કુકડસર ખાતે વાંકલ ધામ મધ્યે કરવામાં આવી હતી.

વન મહોત્સવ અંતર્ગત ૮ મહાનગરો, ૩૩ જિલ્લામાં ૨૫૦ તાલુકામાં તેમજ ૫૨૦૦ ગ્રામિણ કક્ષાએ વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અન્વયે કચ્છ જિલ્લાના ૭૨મો વન મહોત્સવ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાય તંત્ર, વૈદ્યાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌ - સંવર્ધન અને નાગરિક ઉડ્ડયન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ તકે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે આજે સમગ્ર રાજ્યમાં ૧૦ કરોડ અને ૧૦ લાખ વૃક્ષોના રોપાઓનું વિતરણ થવાનુ છે. કોરોના મહામારીમાં લોકોને પ્રાણવાયુ (ઓકિસજન)ની કિંમત સમજાઈ છે. આજે પ્રદુષણના કારણે ઋતુચક્ર ખોરવાયુ છે અને કુદરતી આપદાઓનું પ્રમાણ પણ વધ્યુ છે. જેથી પ્રદુષણને અટકાવવા માટે વૃક્ષારોપણ ખૂબ જ અનિવાર્ય છે.

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે છોડમાં રણછોડ વગેરે જેવા પ્રકૃતિ અને વૃક્ષોને ધર્મ સાથે જોડી તેનુ સંવર્ધન કરવામાં આવે છે. આપણા પૂર્વજોએ આસોપાલવ, પીપડો, આંબો, લીમડો, તુલસી વગેરે જેવા વૃક્ષો અને છોડવા જે આપણી પ્રકૃતિ અને આપણા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા છે. તેમને ધર્મમાં વ્રત, પૂજા વગેરે સાથે જોડી તેનુ સંવર્ધન કરવા પ્રયાસો કર્યા હતા. જેનુ આજે પણ આપણે અનુસરણ કરી રહ્યા છીએ.

ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, વૃક્ષારોપણ અને તેનો ઉછેર કરવો એ ફકત સરકાર કે ફકત સમાજનું કામ નથી. એકલા હાથે કંઈ થઈ ન શકે જેથી સમાજ અને સરકારની સંયુકત ભાગીદારીથી જ વૃક્ષોનું સંવર્ધન થઈ શકે. દરેક વ્યકિત વૃક્ષ વાવે અને બાળકની જેમ તેની કાળજી રાખી ઉછેર કરે તેવુ આહ્વાન પણ તેમણે આ તકે કર્યુ હતું.

આ તકે ભૂજ ધારાસભ્યશ્રી ડો. નીનાબેન આચાર્યએ જણાવ્યુ હતુ કે દરેક વ્યકિત તેમની શકિત મુજબ વૃક્ષ વાવે તો ખરા અર્થમાં વન મહોત્સવની ઉજવણી સાર્થક બનશે. કચ્છમાં એટલી જમીન ઉપલબ્ધ છે કે સમગ્ર ગુજરાતનો કવોટા કચ્છમાં પૂર્ણ થઈ જાય. કચ્છમાં સમગ્ર શાળાઓના કેમ્પસ વૃક્ષોથી આચ્છાદિત બન્યા છે અને હજુ વૃક્ષારોપણ થઈ રહ્યુ છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ વલસાડના ઉમરગામ તાલુકાના કલગામથી વર્ચ્યુઅલી જોડાયા હતા.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નાયબ વન સંરક્ષક શ્રી એસ.એસ. મુજાવરે કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન પ.વ. અધિકારીશ્રી શૈલેન્દ્ર ચોકસીએ કર્યુ હતું.

(2:39 pm IST)