Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

કાલે જામનગરનો ૪૮૨ મો સ્થાપના દિવસ....

જામનગર શહેર સૌરાષ્ટ્રના મુસ્લિમકાળમાં અને ત્યારબાદ વસેલા નગરોમાં સૌથી જુનુ : ભુજ, ભાવનગર-ગોંડલ-સુરેન્દ્રનગરની સ્થાપના જામનગર બાદ કરાઇ હતી

જામનગર : જામનગરનો આવતી કાલે સ્થાપના દિવસ છે.પ્રજા વત્સલ રાજવી જામ રાવળે કચ્છથી જામનગરમાં આવી વસાવેલ નવાનગર સ્ટેટ વખતેના દરબારગઢ, ખંભાળિયા ગેઇટ, માંડવી ટાવર,રણમલ (લાખોટા)તળાવ, આયુર્વેદ કોલેજ જેવી વિરાસતો આપી છે. જેને આજે પણ જામનગરના લોકો યાદ કરે છે.(તસ્વીર-કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૪ : જામનગરઃ જામનગર શહેરનો કાલે સ્થાપના દિવસ છે જામનગરની સ્થાપના શ્રાવણ સુદ શિતળા સાતમના થઇ હતી. જામનગરનો ઇતિહાસ જોઇએ તો ...

જામ રાવળ જેમ- જેમ પ્રદેશો જીતતા ગયા, તેમ- તેમ તેમનું રાજય વિસ્તરતું ગયું. જામ રાવળે પહેલાં બેડ અને પછી ખંભાળીયા રાજધાની બદલી હતી. રાજધાનીના નવા સ્થળથી જોડીયા, આમરણ અને કાલાવડ જેવા પરગણાઓ દૂર પડતાં હતાં અને વહીવટ ચલાવવો મુશ્કેલ જણાતાં, જામ રાવળને નવી રાજધાનીની જરૂરત ઉભી થઇ જે પ્રદેશની બરાબર મધ્યમાં હોય... તેથી નાગમતી અને રંગમતી નદીનાં કાંઠે વિક્રમ સંવત ૧૫૯૬માં શ્રાવણ સુદ સાતમને બુધવારે નવાનગરની રાજધાની જામનગરની સ્થાપના કરવામાં આવી હતી.

નવાનગરની સ્થાપના જામ રાવળે સંવ ૧૫૯૬માં શ્રાવણ સુદ સામને બુધવારના દિવસે કરી હોવાની નોંધ યદુવંશ પ્રકાશ નામના ગ્રંથમાં કરવામાં આવી છે. નગરની સ્થાપના વખે બે કે ત્રણ થાંભલીઓ રોપવામાં આવી હતી. આમાંની બે થાંભલીઓ દરબાગઢ પાસે અને ત્રીજી માંડવી ટાવર પાસે રોપવામાં આવી હોવાનું મનાય છે. હાલ તેમાંની એક થાંભલી રાજેન્દ્ર રોડ ઉપર આવેલા દિલવાર સાયકલ સ્ટોરમાં હયાત છે અને બીજી દરબાર ગઢના પ્રવેશ પાસે રામ હોટલ નજીક શ્રી પી. એચ. શેઠના મકાનમાં હોવાનું કહેવામાં આવે છે. ત્રીજી થાંભલી હાલ કયાંય જોવા મળતી નથી. શકય છે કે, શહેરનાં આરંભે દરબાર ગઢના બાંધકામનો પાયો જ આ થાંભલી ઉપર નંખાયો હોય અને ત્યારબાદ ધીરે ધીરે આજુબાજુનાં મકાનો બંધાયા હોય અને તે મકાનોનો આરંભનો વિસ્તાર દરબાર ગઢથી માંડવી ટાવર સુધીનો રહ્યો હોય. પાયો નાખતી વેળાએ માણેક સ્થંભ પ્રકારની થાંભલી રોપવામાં આવી હશે.

નવાનગરની સ્થાપનાની તિથિ અંગે થોડો મતભેદ પ્રવર્તે છે, પરંતુ તેમાં લાંબો ફરક કે તફાવત નથી. ચારસો વર્ષના લાંબા સમયગાળાને કારણે સ્મૃતિ આધારીત જળવાયેલ તિથિમાં નજીવો ફરક આવવો સ્વભાવિક છે. ઇતિહાસ લેખકોએ જામનગરની સ્થાપનાની બાબતમાં એક બીજાનો આધાર લીધો છે. વાણીનાથ કે વેલીનાથ નામના કવિએ ઇ.સ. ૧૫૭૭માં રચેલા કાવ્યમાં ઉલ્લેખ નવીન નગર તરીકે કર્યો છે. સ્વાભાવિક રીતે જ નવા વસેલા નગરને નવીન નગર કે નવાનગર કહેવાયું હશે અને પાછળથી એ જ નગર નવાનગર તરીકે ઓળખવામાં આવી રહ્યું હશે બીજી એક માન્યતા મુજબ, નવાનગરની બાજુમાં તે વખતે જુનું નાગનેસ ગામ હતું તેથી આ ગામને અલગ ઓળખવા નવાનગર નામ પડ્યું હોય તેવું બનવા જોગ છે. વિભા વિલાસના રચાયિતા કવિ વજમાલજી પરબતજી મહેડુએ પોતાના કાવ્યમાં સવંત પન્નવ છન્નવે શ્રાવસ માસ સુધાર, નગર રચ્યો રાવળ નૃપત સુદ સાતમ બુધવાર આવો દોહરો નવાનગરની રચના માટે કહ્યો છે, જેમાં પણ નગરની સ્થાપનાની તિથિ સ્પષ્ટ કહી છે. સૌરાષ્ટ્રના ઇતિહાસના લેખકશ્રી ભગવાનલાલ સીંપતલાલે પોતે ઇ.સ. ૧૮૬૧માં એવું લખેલું છે કે, શ્રાવણ મહિનામાં જામે નાગણીની જગે નવાનગર ગામ બંધાયું... જામે પોતાની નવી રાજધાની નામ નવાનગર તો પાડ્યુ, પણ ઘણાં લાંબા વખત સુધી લોકો તેને નાગણી તરીકે જ ઓળખતા હતા. આજે પણ શરાફ અને વેપારીઓ નગરને નાગણી તરીકે જ ઓળખે છે.

ઉપરના મંતવ્ય પર વિચાર કરીએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે, નગરની સ્થાપના વખતે નાગના યા નાગણી ગામ યથાવત હશે. નાગણી યા નાગનેસ નામ નગરની સ્થાપના પછી આશરે દોઢસો વર્ષ કરતાંય વધુ સમય સુધી પ્રચલિત રહ્યું હતું. છેક ઇ.સ. ૧૮૦૦ પછી પણ વેપારી ચોપડા અને કબાલા ચીઠ્ઠીઓમાં નાગણી યા નાગણીનેસ શબ્દ પ્રયોજાયેલો મળી આવે છે. પરંતુ એ હકીકત સ્પષ્ટ થતી નથી કે, જામ રાવળે મૂળ નાગના બંદરના સ્થળે નવું નગર વસાવ્યું કે તેનાથી થોડે દૂર વસાવ્યું. બહુજનમાન્ય મત એવો છે કે જયાં નાગના બંદર નદી- સમુદ્રના સંગમ સ્થળ પર હતું તેનાથી એકાદ બે ગાઉ અંદરના ભાગે નદીનાં પાણી ફરી ન વળે, તેવા ઉંચાણવાળા સ્થળે જામ રાવળે પ્રથમ દરબારગઢ બાંધીને નવું નગર વસાવ્યું છે. જયારે રા. રા. ભગવાનલાલ સંપતલાલ જેવા ઇતિહાસ લેખક નાગણીના સ્થળે જ નવાનગર વસાવ્યાનું જણાવે છે. જો કે જૂના ગામ અને નવાનગર વચ્ચે ઝાઝું અંતર નહીં હોય. વહોરાના હજીરાથી નાગેશ્વર અને જૂના નાગના ગામ સુધીના વિસ્તારમાં કયાંક આ નાગનેસ બંદર હોવું જોઇએ. જો કે આ સદ્યન સંશોધનનો વિષય છે અને નાગેશ્વર આસપાસના ખોદકામથી જામનગરની સ્થાપના પહેલાંના સમય પર વધુ પ્રકાશ પાડી શકે તેવા આધારો પ્રાપ્ત થવાની સંભાવના ઓછી નથી.

નાગમતી અને રંગમતી નદીઓએ પોતાના મુખ પર ઠાલવેલા કાંપથી જૂનું બારૃં પૂરાઇ ગયું છે અને આસપાસ કેટલીક નવી ભૂમિ પણ રચાઇ છે. એટલું જ નહીં, પરંતુ ઠલવાતા કાંપ અને માટીના ચડતા થરથી બચાવવા જૂના દેવસ્થાનોને ફરતું ચણતર કરીને અથવા શિખર ઉંચા લઇને રક્ષવાં પડ્યાં છે, તેની ખાતરી સિધ્ધનાથ મંદિરે અને જૂના મણીનાગનાથના ડેરાની વર્તમાન સ્થિતિ અને જમીનની સપાટીથી તેનું નીચું લેવલ જોવાથી થશે. આ બન્ને મંદિરો જામનગરની સ્થાપના પહેલાંના ઇ.સ. નવમાં કે દસમાં સૈકા જેટલાં જૂના જણાય છે.

વિક્રમ સંવત ૧૬૬૪ (ઇ.સ. ૧૬૦૭)માં રચાયેલા પડધરી પ્રસાદબિંબ પ્રવેશાધિકાર સ્તવન નામના જૈન કાવ્યમાં પણ શહેરને નવાનગર કહ્યું છે. આમ નામ પડ્યું નહીં હોવાથી નવાનગર તરીકે ઓળખાયું છે અને જ નામ રૂઢ થઇ ગયેલું જણાય છે.

આમ, જામનગર એ ચારસો- સાડા ચારસો વર્ષ ઉપરાંતનું જુનું શહેર છે. તેથી તે અત્યંત પ્રાચીન નથી. તેમ સાવ આધુનીક પણ નથી. મુગલ સલ્તનતના આરંભ કાળમાં હુમાયુના રાજય અમલ દરમિયાન ગુજરાતમાં પ્રવર્તતી અરાજક સ્થિતિ કાળમાં સોળમી સદીના અધવચ્ચે આ શહેરનો જન્મ થયો છે.

જામનગરની સરખામણીમાં દ્વારકા, ગિરિનગર- જૂનાગઢ, વનસ્થળીએ ઘણાં પ્રાચીન નગરો છે. વિ. સંવત ૧૦૦૩કે ૧૦૭૦માં વસેલું સમૃધ્ધ શહેર ધૂમલી ઇ.સ.૧૪માં સૈકામાં નાશ પામ્યું છે. નગરો વસે છે અને નાશ પામે છે. વલ્લભી સામ્રાજય સાથે વિધાના મહાન ધામ સમી એની સમૃધ્ધ રાજધાની પણ નાશ પામી છે. નષ્ટ થયેલું ગિરિનગર- જૈનાગઢરૂપે ફરી વસ્યું છે. દ્વારકા સાતમી વાર વસ્યાનું કહેવામાં આવે છે.

જામનગર સૌરાષ્ટ્રના મૃસ્લિમકાળમાં અને તે પછી વસેલાં નગરોમાં સૌથી જૂનું છે. ભુજ, ભાવનગર, ગોંડલ, સુરેન્દ્રનગર વગેરે શહેરો જામનગરની સ્થાપના પછી વસેલા છે.

જામનગર જયારે વસ્યું, ત્યારે નવીનનગર અથવા નવાનગર કહેવાયું અને એજ નામે પ્રચલિત થયું છે, પરંતુ લોકો વહેવારમાં નગરને કેવળ નગરથી જ ઓળખતા આવ્યા છે. વાત-ચીત અને બોલ-ચાલમાં અહીંના લોકો આ શહેરને કેવળ નગર કહીને ઓળખાવે છે. (૨૨.૨૫)

કાલે જામનગરનાં સ્થાપના દિવસ નિમિતે મેયરના હસ્તે ખાંભીનું પૂજન

આ તકે ડે.મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનીષભાઇ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, ચેરપર્સન સાંસ્કૃતિક સમિતીના હર્ષાબા પી.જાડેજા ઉપસ્થિત રહેશે. શહેરીજનોને ઉપસ્થિત રહેવા કમિશ્નર વિજયકુમાર ખરાડીએ આમંત્રણ પાઠવ્યું છે.

જે અંતર્ગત ખાંભી પુજન સવારે ૮  વાગ્યે દરબાર ગઢ દિલાવર સાઇકલ સ્ટોર્સ, કર્નલ રાજેન્દ્રસિંહની પ્રતિમાને ફુલહાર ૧૦ વાગ્યે લાલ બંગલા સર્કલ, જામસાહેબશ્રી જામ રાવલજીની પ્રતિમાને ફુલહાર૧૦:૧૫ વાગ્યે તળાવની પાળ મ્યુઝીયમ ગેઇટ નં. ૫, જામસાહેબશ્રી રણજીતસિંહજીની પ્રતિમાને ફુલહાર ૧૦:૩૦ વાગ્યે તળાવની પાળ ગેઇટ નં. ૬ ગોવાળ મસ્જીદ સામે, જામસાહેબશ્રી દિગ્વિજયસિંહજી જાડેજાની પ્રતિમાને ફુલહાર ૧૦:૪૫ વાગ્યે તળાવની પાળ ગેઇટ નં. ૨ ખાતે કરાશે.

(12:52 pm IST)