Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

કચ્છના મોટા લાયજા ગામના બહુચર્ચિત જમીન કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે કરી ત્રણ આરોપીઓની ધરપકડ

૪૦ કરોડનો પ્રોજેકટ આવે છે એવું કહી ૪.૬૩ કરોડનું જમીનનું રોકાણ કરાવી દસ્તાવેજ કરાવી ન આપ્યાની ફરિયાદ : અન્ય ફરિયાદોની તજવીજ વચ્ચે ૨૪ કરોડે આંક પહોંચે એવી ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૪ : કચ્છના માંડવી તા. ના મોટા લાયજા ગામે ૪૦ કરોડના રોકાણ સાથે સી લેન્ડ પ્રા. લિ. અને આવાસ લોજિસ્ટિક પાર્ક કં. આવે છે એવું કહી વધુ ભાવ આવશે એવું કહી જમીન ખરીદવાની લાલચ આપી ૪.૬૩ કરોડનું જમીનમાં રોકાણ કરાવી દસ્તાવેજ નહીં કરી આપવાની ફરિયાદ ભુજના કુશલ મૂકેશ ઠક્કરે સીઆઈડી ક્રાઈમમાં નોંધાવી હતી.

જેને પગલે સીઆઈડી ક્રાઈમ દ્વારા મોટા લાયજા ગામના ત્રણ આરોપીઓ પૈકી પ્રભુ રામ ગઢવી, કરસન કેશવ ગઢવી અને રમેશ કાનગર ગુંસાઈની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. આથી અગાઉ ભુજના મહેશ ઠકકર દ્વારા પ્રભુ રામ ગઢવી સામે ૨.૪૪ કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં સોદો કરી દસ્તાવેજ ન બનાવી દેવાયો હોવાનું જણાવાયું હતું. જે મામલે ભાગેડુ આરોપીઓ વિરુદ્ઘ સીઆઈડી ક્રાઈમ કોર્ટમાંથી વોરંટ ઇસ્યુ કરાવ્યું હતું.

ફરિયાદી અને આરોપીઓ વચ્ચે જમીન અંગે ચાલતા વિવાદમાં રૂપિયા પરત કરી આપવા માટે વચ્ચે સમાધાન માટેના પ્રયાસો કરનાર પૂર્વ પીઆઈ વિજય ગઢવીને પણ આરોપી પ્રભુ ગઢવીના ભાઈએ મેસેજ દ્વારા વચ્ચેથી હટી જવા ધમકી આપી હતી. દરમ્યાન પ્રભુ રામ ગઢવીએ પોતાની સામેની ફરિયાદ ખોટી હોવાનું જણાવી તે ફરિયાદ રદ કરવા કોર્ટમાં અરજી કરી હતી પણ કોર્ટે અરજી નકારતા ધરપકડનો માર્ગ મોકળો થયો હતો.

આ કામગીરી સીઆઈડી ક્રાઇમ કચ્છ બોર્ડર ઝોનના ઇન્ચાર્જ ડીવાયએસપી વી.આર. ડાંગર, પીએસઆઈ એચ.આર. જેઠી અને સ્ટાફે હાથ ધરી હતી. દરમ્યાન આ પ્રકરણમાં અલગ અલગ સાત ફરિયાદોમાં કુલ ૨૪ કરોડની ઠગાઈ કરાઈ હોવાની ચર્ચા વચ્ચે વધુ ફરિયાદો થાય તેવી શકયતા છે.

(11:46 am IST)