Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

અંજારની ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડરે દર્દીની પત્નીની છેડતી કરતાં પોલીસ ફરિયાદ

અવારનવાર બીભત્સ માગણી મૂકી તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી બદનામ કરવાની ધાક-ધમકી આપતો

અંજારઃ અંજારની ખાનગી ઓર્થોપેડીક હોસ્પિટલનો કમ્પાઉન્ડર પુરુષ દર્દીની પત્ની જોડે અવારનવાર બીભત્સ માગણી મૂકી, તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી બદનામ કરવાની ધાક-ધમકી આપતો હોવાનો બનાવ બહાર આવ્યો છે. કમ્પાઉન્ડરના અણછાજતાં વાણી-વર્તનને લાંબો સમય સહન કર્યાં બાદ અંતે ત્રાસી ગયેલી પરિણીતાએ પતિ-સસરાને વાત કર્યાં બાદ તેની વિરુધ્ધ અંજાર પોલીસ મથકે છેડતીની ફરિયાદ નોંધાવી છે.

ગત ડિસેમ્બર માસમાં 24 વર્ષિય યુવતીના પતિને એક્સિડેન્ટમાં ઈજા થતાં તેને શહેરની માતૃસ્પર્શ હાડકાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. આ સમયે તેઓ હોસ્પિટલમાં પાટા-પિંડી અને ડ્રેસીંગનું કામ કરતા ચિરાગ નામના કમ્પાઉન્ડરમાં પરિચયમાં આવ્યાં હતા. એકવાર યુવતીના પતિએ સારવાર હેતુ તેના મોબાઈલ પરથી ચિરાગને ફોન કરતાં યુવતીનો ફોન નંબર તેની પાસે આવી ગયો હતો. પતિની સારવાર કરતાં ચિરાગની તેની પત્ની પર બદદાનત હતી. તેણે યુવતી પાસે બીભત્સ માંગણી કરવાનું શરૂ કર્યું હતું. આરોપીએ એકવાર તેને અણછાજતી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. હોસ્પિટલમાંથી પતિને રજા મળ્યાં બાદ દર ચાર-પાંચ દિવસે ચિરાગ ડ્રેસીંગ કરવા તેમના ઘેર આવતો હતો. આ સમય દરમિયાન પણ તે ફોન પર પરિણીતાને બદનામ કરવાની ધમકી આપી સતત બીભત્સ માંગણી કર્યાં કરતો હતો. તેનાથી ત્રાસી ગયેલી પરિણીતાએ આખરે પતિ-સસરાને વાત કરતાં તેમણે ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. પોલીસે આઈપીસી 354-એ અને 511 હેઠળ ગુનો દાખલ કર્યો છે

(9:57 pm IST)