Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

જામનગરના આકાશમાં મંગળ અને શુક્રના ગ્રહના મિલનનો અલૌકિક નજારો જોવા મળ્‍યોઃ 40 મિનીટ સુધી નરી આંખે જોઇને ખગોળપ્રેમીઓ ઝુમી ઉઠયા

જામનગર: જામનગરના આકાશમાં મંગળવારે સૂર્યાસ્ત બાદ મોડી સાંજ સુધી અદભૂત ખગોળીય ઘટના દેખાઈ હતી. આકાશમાં મોડી સાંજે મંગળ તથા શુક્ર ગ્રહના મિલનની અલૌકીક ઘટના સાથે વધુ એક અવકાશી નજારો જોવા મળ્યો હતો. ત્રીજના ચાંદનો ચકમતો નજારો પણ કંઈક અનેરો જ જોવા મળ્યો હતો. આકાશમાં વર્ષમાં માત્ર બે વાર મંગળ અને શુક્ર ગ્રહના મિલનની જોવા મળતી ખગોળીય ઘટનાનો લહાવો ખગોળપ્રેમીઓને જામનગરમાં ખૂબ સુંદર રીતે જોવા મળ્યો હતો.

જામનગરની ભાગોળે તપોવન સ્કૂલ ખાતે જામનગર ખગોળ મંડળના કિરીટભાઈ શાહ અને અમિતભાઈ વ્યાસ તથા તેમની ટીમ દ્વારા અલૌકિક ઘટના જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટેલિસ્કોપ અને દૂરબીનના માધ્યમથી ખગોળપ્રેમીઓએ નજારો નિહાળ્યો હતો. ચોમાસામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે થોડા સમય બાદ આકાશ સ્વચ્છતા થતા સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશામાં અંદાજે 40 મિનિટ સુધી આ અદભુત નજારો નરી આંખે જોવા મળ્યો હતો.

જામનગર ખગોળ મંડળના યુવા સભ્ય અમિતભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, એક વર્ષમાં બે વખત આ પ્રકારની ઘટના થતી હોય છે, જે જામનગરમાં ખગોળપ્રેમીઓને સારી રીતે નિહાળવા મળી છે. જામનગરના નભો મંડળમાં હાલમાં સાંજના સમયે પશ્ચિમ આકાશમાં શુક્રનો ગૃહ ખૂબ ચમકતો ( -3.8 મેગ્નેટયુડ.) જોવા મળે છે. શુક્ર ગ્રહનું દરરોજ અવલોકન કરવામાં આવે તો તે દરરોજ પશ્ચિમ તરફ સરકતો જોવા મળશે. પરંતુ 13 જુલાઈના રોજ ઝાંખા મંગળ ગ્રહ સાથે તેનું મિલન થયુ એ સમયે આ બંન્ને ગ્રહો વચ્ચેનું અંતર માત્ર .5 અંશ જેટલુ જ જોવા મળ્યું. જેથી નરી આંખે અથવા સાદા દૂરબીન વડે એક જ ફીલ્ડમાં બંને ગ્રહો જોઇ શકાયા હતા. સૌથી વધુ ચમકતો સૂર્ય અને ત્યારબાદ ચંદ્ર અને ત્રીજા ક્રમે શુક્ર સૌથી વધુ ચમકતો ગ્રહ જોવા મળે છે.

જામનગર ખગોળ મંડળના સભ્ય અને જાણીતા ખગોળશાસ્ત્રી કિરીટભાઈ શાહે વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગર શહેરમાં જામનગર ખગોળ મંડળ છેલ્લા 30 વર્ષથી ખગોળની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. જામનગર શહેરમાં તપોવન વિદ્યાલય ખાતે 13 જુલાઈના રોજ સૂર્યાસ્ત બાદ આ અદભૂત અને અલૌકિક ખગોળીય ઘટના નિહાળવા માટેની વ્યવસ્થા રાખવામાં આવી હતી. ખાસ કરીને મંગળ અને શુક્ર ગ્રહની ખૂબ જ સુંદર યુતિ આકાશમાં સર્જાઈ હતી. ત્રીજનો ચંદ્ર પણ ખુબ જ પ્રકાશિત જોવા મળ્યો હતો. શરૂઆતમાં વાદળો હતા અને ત્યારબાદ આકાશ સ્વચ્છ થતાં ગ્રહોના મિલનની અલૌકિક ખગોળીય ઘટના નિહાળી હતી.

જામનગરમાં સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશામાં 30 થી 40 મિનિટ સુધી આ નઝારો નરી આંખે જોવા મળ્યો. આ દિવસે ત્રીજના ચંદ્ર પણ આ બંને ગ્રહોની નજીકમાં જોવા મળ્યા. જામનગરના આકાશમાં ખગોળપ્રેમીઓએ 13 મી જુલાઇની મોડી સાંજે સુર્યાસ્ત બાદ 7:45 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધી આ અદભુત અને અલોકિક આકાશી નજારો નિહાળ્યો હતો. 

(5:02 pm IST)