Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ધ્રાંગધ્રાની આંગડિયા પેઢીને રૂા. ૧૫ લાખનો ચુનો લગાવનારા મોરબીના ૫ ગઠીયા ઝડપાયા

હળવદ પોલીસે વોચ ગોઠવી ૧૨ લાખ રોકડા સાથે પાંચેયને ઝડપી લીધા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૪ :  ધ્રાંગધ્રામાં રોકડીયા સર્કલ સામે આવેલી ભગત આંગડિયા પેઢીમાં ધ્રાંગધ્રાના જ નામાંકિત વ્‍યક્‍તિના માણસો હોવાનો ડોળ રચી મોરબીના પાંચ ભેજાબાજ ગઠિયાઓએ તા.૨૮-૪-૨૦૨૨થી ૧૧-૦૫-૨૦૨૨ સુધીમાં અલગ અલગ રકમ રોકડી ચૂકવી અલગ-અલગ શહેરમાં આંગડિયા પેઢીમાં રૂપિયા મોકલ્‍યા હતા.
છેલ્લે રૂપિયા ૧૫ લાખ રૂપિયાનું ગોંડલ ખાતે આંગડીયું કરાવી હમણાં નાણાં જમા કરાવી છીએ તેવું કહી ચાલતી પકડી હતી. બીજી તરફ સાંજ સુધીમાં આંગડિયા પેઢીમાં ભેજાબાજ ગઠિયાઓએ નાણાં જમા ન કરાવતા અજુગતું બન્‍યું હોવાનુ અને છેતરપિંડી થયાનું જણાતાં આંગડિયા પેઢીના સંચાલક માતરભાઈ રાજાભાઈ પઢેરિયા અને મહેશભાઈ ઉર્ફે મનુભાઈએ આ અંગેની જાણ ધ્રાંગધ્રા પોલીસને કરી હતી.
બીજી તરફ રૂપિયા છેતરપિંડી આચરી ભેજાબાજ ગઠિયા ટોળકી હળવદ થઇ મોરબી જવા રવાના થઈ હોવાની બાતમી મળતા ઢવાણા ચેકપોસ્‍ટ ઉપર વાહન ચેકિંગમાં રહેલ હળવદ પોલીસ સતર્ક બની હતી અને શંકાસ્‍પદ ઇકો તેમજ મારુતિ સુઝુકી સ્‍વીફટ કારમાં નાસી છૂટેલા અબ્‍દુલ ઇબ્રાહીમભાઇ જુવાળીયા (રહે.રવાપર રોડ મોરબી), ભરત નારાયણભાઈ કણઝારીયા (રહે. ભગવતી હોલ પાસે મોરબી), રણજીતસિંહ બલવંતસિંહ વાઘેલા (રહે. યોગીનગર મોરબી ), હુસેન અબ્‍દુલ શેખ (રહે. મોરબી) અને બાબુ હરસુર નાગલા (રહે.મોરબી)સહિતના પાંચેય ઈસમોને રૂપિયા ૧૨ લાખ રોકડા સાથે ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લાવી સીઆરપીસી એક્‍ટની કલમ ૪૧(ડી) અન્‍વયે અટકાયતમાં લઈ ધ્રાંગધ્રા પોલીસને હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, હળવદ પોલીસે હસ્‍તગત કરેલા મોરબીના ગઠિયાઓએ છેતરપિંડીની રકમમાંથી તાબડતોબ સ્‍વીફટ કાર પણ ખરીદી હોવાનું સામે આવતા પોલીસે સ્‍વીફટ કાર તેમજ ગુન્‍હામાં ઉપયોગમાં લેવાયેલી ઇકો કાર સહિતનો મુદામાલ કબ્‍જે કર્યો હતો. આ સફળ કામગીરી હળવદ પીઆઇ કે.જે.માથુકીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ દેવેન્‍દ્રસિંહ ઝાલા, બિપીનભાઈ પરમાર, ગંભીરભાઈ ચૌહાણ અને ભાવેશભાઈ ડાંગર સહિતના સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

 

(12:36 pm IST)