Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

કેશોદ પાલિકા દ્વારા મિલ્‍કત ધારકો પાસેથી આકરો પાણી વેરો વસુલવા છતાં પાણી વિતરણમાં પક્ષપાતી વલણ

 

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૧૪ : સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ગરમી નો પારો કેશોદ શહેરમાં નોંધાયો છે ત્‍યારે આવશ્‍યક સુવિધાઓમાં પીવાનું પાણી ઉપલબ્‍ધ કરાવવા માટે સ્‍થાનિક વહીવટી તંત્ર અશતઃ નિષ્‍ફળ નીવડ્‍યું છે. ત્‍યારે જવાબદાર પદાધિકારીઓ લાજવાને બદલે ગાજી ત્રણ દસકા પહેલાની સ્‍થિતિ સાથે સરખામણી કરી ઉજળાં બનવા હવાતિયાં મારે છે.

કેશોદ નગરપાલિકા દ્વારા નર્મદા નદી મારફતે મહી પરીએજ યોજના અંતર્ગત સિત્તેર લાખ લીટર પાણી વેચાતું પાણી પુરવઠા બોર્ડ પાસેથી મેળવી રાણેકપરા ડોમ થી શહેરી વિસ્‍તારોમાં ઓવરહેડ ટાંકી તથા સમ્‍પમાંથી વિતરણ કરવામાં આવે છે. નગર પંચાયતના શાસનકાળ દરમ્‍યાન કેશોદ નજીક પસાર થતી સાબળી નદી કિનારે કુવા બનાવી કુવામાં એકઠું થયેલું પાણી પંપીંગ દ્વારા કેશોદ શહેરમાં લાવી વિતરણ કરવામાં આવતું હતું જે સાબળી વોટરવર્કસ યોજના રાજકીય દખલગીરીનાં કારણે છેલ્લાં સાતેક વર્ષથી બંધ હાલતમાં છે જેનાં કારણે રોજનું ચાલીસ લાખ લીટર પાણી કેશોદ નગરપાલિકા વિસ્‍તારમાં મળતું નથી અને છતે પાણીએ વેચાતું લેવું પડે છે. કેશોદ નગરપાલિકા વિસ્‍તારમાં આવેલા મિલ્‍કતધારકો પાસેથી મ્‍યુનિસિપલ કોર્પોરેશન કરતાં વધારે પાણી વેરો ૯૨૦ વસુલવા છતાં પાંચ થી સાત દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે અને અમુક વિસ્‍તારોમાં ત્રણ દિવસે પાણી વિતરણ કરી પક્ષપાતી વલણ રાખવામાં આવે છે.  કેશોદ નગરપાલિકા દ્વારા સાબળી વોટર વર્કસ યોજના સંપૂર્ણ રીતે ચાલુ હોવાં છતાં પાણી લાવવાને બદલે નલ સે જલ યોજના હેઠળ અંદાજે અગીયાર કરોડ રૂપિયાની રાજય સરકારમાં દરખાસ્‍ત કરી ખોરાસા આહિરનુ બાજુમાં ઓઝત નદીના ડેમમાં થી નવી પાઈપલાઈન મારફતે પાણી મેળવવા હવાતિયાં મારી રહ્યા છે ત્‍યારે શહેરીજનો પાણી પ્રશ્ને પક્ષપાતી વલણ અને આકરાં પાણી વેરાની રજુઆત કરે તો સતાધારી પક્ષના પદાધિકારીઓ અને હોદેદારો ધ્‍યાને લેતાં નથી ત્‍યારે આવનારાં દિવસોમાં યોજાનારી ધારાસભાની ચૂંટણીમાં આ બાબતના પડધા પડે તો નવાઈ નહી.

(1:48 pm IST)