Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ભુજમાં જૈન સ્ટડી અને આઈએએસ ટ્રેનિંગ સેંટર ખુલ્લું મુકતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ

કચ્છ યુનિવર્સિટીમાં આયોજિત સમારોહ દરમ્યાન સી.આર.પાટીલ દ્વારા અનેક સેવાકીય પ્રકલ્પોનો પ્રારંભ, તેરા તુજકો અર્પણ અને સમસ્ત જૈન સમાજ દ્વારા રજતતુલા સહિતનો ભવ્ય કાર્યક્રમ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ :  ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પોતાના કચ્છ પ્રવાસના આરંભે ભુજ મઘ્યે કાર્યરત કચ્છ યુનિવર્સિટીમાં હેતુલક્ષી અભ્યાસ કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો હતો. કચ્છમાં પ્રથમ અને ગુજરાતમાં દ્વિતીય એવા જૈન સ્ટડી સેન્ટરની શરૂઆત આ કાર્યક્રમ અંતર્ગત કરાવી હતી. તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા શ્રી સમસ્ત જૈન સંઘ નાં સહકારથી શ્રી પાટીલ દ્વારા લોકાર્પણ થતાં જ આજ થીજ કાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ મધ્યે તપાગચ્છાધિપતી આચાર્ય આચાર્ય મનોહરકીર્તિ સાગર સૂરીશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર  સ્ટડીઝ અને જશવંતભાઈ કલ્યાણજી ભાઈ ગાંધી IAS ટ્રેનિંગ સેન્ટર કાર્યરત થઇ ગયું છે. આ ઉપરાંત શ્રી પાટીલના હસ્તે 108 ગાડી ઘાસ વિતરણ કરાયું હતું. તો મૂંગા પશુઓની સેવા અર્થે પશુ એમ્બુલન્સનું લોકાર્પણ પણ કરાયું હતું. સેવાકીય પ્રકલ્પો ને આગળ ધપાવતાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી પાટીલના હસ્તે ભુજ શહેર તથા ભુજ તાલુકાના આંગણવાડીના કુપોષિત 740 બાળકોને સુપોષિત કીટ વિતરણ કરાયું હતું.  કચ્છ યુનિવર્સિટી મધ્યે વિશાળ ડોમમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં કચ્છના જૈન સમાજ દ્વારા ભારે ઉત્સાહ ભર્યા વાતાવરણમાં  માન શ્રી સી.આર.પાટીલ સાહેબ ની રજતતુલા કરાઈ હતી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, પ્રભારી મંત્રી કિર્તિસિંહ વાઘેલા,  કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. જયરાજસિંહ જાડેજા, ધારાસભ્યો વાસણભાઈ આહીર, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, ભુજના નગરપતિ ઘનશ્યામ ઠકકર, ધવલ આચાર્ય, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, અગ્રણીઓ જીગર તારાચંદભાઈ છેડા, જાગૃતિબેન બાબુભાઈ શાહ, બાબુભાઈ હુંબલ, સ્મિત ઝવેરી, કિરીટ સોમપુરા સહિત કચ્છના જૈન સમાજ તેમ જ અન્ય વિવિધ સમાજો ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બન્ને અભ્યાસક્રમો માટે આર્થિક સહયોગ શ્રીમદ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી સમાધિ ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત થયો છે. આજે કાર્યક્રમમાં આ બન્ને શૈક્ષણિક અભ્યાસક્રમો શરૂ કરનાર સંસ્થા વતી વિજાપુરના મેહુલ ગાંધીએ તેમ જ કચ્છમાં સંકલન સંભાળનાર તેરા તુજકો અર્પણ ટ્રસ્ટના હિતેશ ખંડોરે વ્યવસ્થા સંભાળી હતી.

(12:24 pm IST)