Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

નર્મદા મુદ્દે કચ્‍છ કિસાન સંઘના ધરણા શરૂ થયા અને સમેટાયા : સી.આર.પાટીલના આગમન પહેલા કચ્‍છ ભાજપના અગ્રણીઓની ખાત્રીની અસર

દુધઇ બ્રાન્‍ચ કેનાલ માટે મુખ્‍યમંત્રી વતી સાંસદ અને જિલ્લા પ્રમુખે આપી બાહેંધરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૩: દુધઈ બ્રાન્‍ચ કેનાલ (અંજાર)થી કુનરિયા (ભુજ) સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પાઈપલાઈન પહોંચાવાના સરકારના નિર્ણય સામે કચ્‍છ કિસાન સંઘે આંદોલન શરૂ કર્યું છે. મૂળ યોજના પ્રમાણે સરકાર કેનાલથી જ સિંચાઇ માટે નર્મદાનું પાણી પહોંચાડે એવી કચ્‍છ કિસાન સંઘની માંગણી છે. સરકારે પાઈપ લાઈનનો ફતવો જાહેર કરતાં કિસાન સંઘે ૫૦૦ ટ્રેકટરો સાથે જબરદસ્‍ત રેલી યોજી વિરોધને આકરો બનાવી ભુજમાં ધરણાં શરૂ કર્યા હતા.

જોકે, આવતીકાલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ભુજમાં આવતાં હોઈ અને ભુજમાં જ તેમના ત્રણ ત્રણ કાર્યક્રમો હોઈ કિસાન સંઘને મનાવવા સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા તેમ જ કેશુભાઈ પટેલ મોડી સાંજે ધરણા છાવણી ની મુલાકાતે પહોંચ્‍યા હતા. બન્નેએ કિસાન અગ્રણીઓ જિલ્લા પ્રમુખ શામજી બરાડિયા અને પ્રદેશ ઉપપ્રમુખ શામજી મયાત્રા અન્‍ય અગ્રણીઓ તેમ જ કલેકટર કચેરીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્‍યારબાદ કિસાન સંઘની છાવણીમાં સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલે સંબોધન કરી મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ, પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વતી કિસાનોની માંગ ગ્રાહ્ય રખાશે અને આગામી દિવસોમાં સારા પરિણામો મળશે. કિસાનો વિશ્વાસ રાખે.

વધારાના પાણી માટે આ સરકારે ૪૦૦૦ કરોડ રૂ.ની વહીવટી મંજૂરી પણ આપી દીધી છે. સમજાવટના પ્રયાસોએ અસર કરતાંᅠ કિસાનોનો આક્રોશ શમ્‍યો હતો. કિસાન આગેવાનોએ જણાવ્‍યું હતું કે, અમને પ્રશ્નોનો નિવેડો આવે અને જલદી કેનાલનું કામ ચાલુ થાય એમાં રસ છે. આંદોલન અને દેખાવો મુદ્દો બદલી ગયો હોઈ કરવા પડ્‍યા છે, હવે વહેલી તકે નર્મદાની મૂળ યોજના પ્રમાણે સરકાર કામ ચાલુ કરે તે જરૂરી છે.

(10:33 am IST)