Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

હૃદય કંપાવી દે તેવા ગીરના દ્રશ્‍યો વાયરલઃ વનરાજે કપિરાજને બતાવ્‍યુ કે રાજાની ક્‍યારેય મસ્‍તી ન કરાય

ગીરના જંગલમાં મસ્‍તીએ ચડેલ કપિરાજના ટોળાએ વનરાજને છેડયુ પછી બન્‍યુ એવુ કે જે જોઇ તમારા પણ રૂવાડા ઉભા થઇ જશે

જુનાગઢઃ ગીરના જંગલમાં ભાગ્‍યે જ બનતી ઘટના હાલ કેમેરામાં કેદ થઇ છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, વાનરોનું એક ટોળુ મસ્‍તીએ ચડયુ હતુ, પરંતુ તેમને એ ક્‍યાં ખબર હતી કે તેમને આ મસ્‍તી ભારે પડશે. વાનરોના આ ટોળાએ સુતેલા સિંહની મસ્‍તી કરી હતી, જેનાથી અકળાઇ સાવજે કપિરાજને એક ઝાટકે જ પતાવી દીધો હતો. વાનરોના ભાગ્‍યે જ શિકાર કરતા સિંહે એક જ ઝાટકે કપિરાજને પતાવી દેતા વન તંત્ર પણ અચરજમાં મુકાયુ હતું.

કહેવત છે કે, સિંહ કભી ઘાસ નહિ ખાતા, ત્યારે ગીરના જંગલમાં સિંહના ઘાસ ખાતા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. ત્યારે ફરી એકવાર ગીર જંગલમા અદભૂત ઘટના બની છે. ક્યારેય વાંદરાનો શિકાર ન કરનાર સિંહે એક ઝાટકે કપિરાજને કાપી નાંખ્યો હતો. જેનો પુરાવા રૂપે વીડિયો પણ સામે આવ્યો છે.

સાસણ ગીર જંગલ મા ભાગ્યેજ જોવા મળતી ઘટના સામે આવી છે. ગીરના સાવજે કપિરાજનો શિકાર કર્યો છે. આ ઘટના ગીર અભ્યારણના કમલેશ્વર ડેમ જવાના રસ્તે રૂટ નંબર 4 પર બની હતી. સામાન્ય રીતે સિંહ કોઇ દિવસ કપિરાજનો શિકાર નથી કરતો, પરંતુ કપિરાજની મસ્તીથી અકળાયેલા સાવજે કપિરાજનો શિકાર કરી નાંખ્યો હતો. બન્યુ એમ હતુ કે, જંગલમાં કપિરાજનું ટોળું મસ્તીએ ચડયું હતું અને વનના રાજાની મસ્તી કરી હતી, પરંતુ કપિરાજને આ મસ્તી ભારે પડી ગઈ હતી. વનના રાજાને ખલેલ પહોંચતા અકળાયેલા સાવજે એક ઝાટકે કપિરાજનો શિકાર કર્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

સિંહના શિકારની ઘટના 12 મેના રોજ બની હોવાનું કહેવાય છે. ગીર અભ્યારણમાં ટ્રેકર તરીકે ફરજ બજાવતા રહીમ મુરાદ બ્લોચે આ ઘટના નજરે જોઈ હતી, અને પોતાના કેમેરામાં કેદ કરી હતી. ત્યારે આ વીડિયો હાલ ગીરમાં ચર્ચાના ચગડોળે ચઢ્યો છે.

(10:11 am IST)