Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

શિવરાત્રીના મેળાને મીની કુંભ મેળો જાહેર કરાતા ગ્રાન્ટ વધારા સાથે સરકારની ભૂમિકા વધશે

હાલ સરકારી ચોપડે મીની કુંભ મેળાની વ્યાખ્યા કે માપદંડ નથી

રાજકોટ તા. ૧૪ :.. ગરવા ગિરનારની ગોદમાં દર વર્ષ શિવરાત્રીના પર્વ પર ભરાતા ભવ્ય મેળાને મીની કુંભમેળાનો દરજજો આપવાની ગઇકાલે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જાહેરાત કરતા સાધુ સંતોએ તેને આવકાર આપ્યો છે. સરકારે ચોપડે મીની કુંભમેળાની વ્યાખ્યા કે માપદંડ નકકી થયેલ નથી તેથી મીની કુંભ મેળો જાહેર કરવાથી શું ફાયદો થશે ? તેની કોઇ સત્તાવાર માહિતી જાહેર થયેલ નથી.સરકારી સૂત્રો એવુ જણાવે છે કે શિવરાત્રીના મેળાના ધાર્મિક મહત્વને ધ્યાને રાખીને મીની કુંભ મેળા તરીકે જાહેર કરાવે છે. હાલ આયોજનમાં સરકાર દ્વારા રૂ. ૧૦ લાખની ગ્રાન્ટ મળે છે. તેમાં માતબર વધારો  થશે. ઉપરાંત મેળાના આયોજનમાં સરકારી તંત્રની ભૂમિકા વધશે. મેળાની રૂપરેખામાં સરકારી ધારા-ધોરણો પ્રભાવક બનશે.

મીની કુંભ મેળાની જાહેરાત ઉપરાંત ગીરનાર વિકાસ સતા મંડળની રચના કરવાની જાહેરાત થઇ છે. આ જાહેરાતનો અમલ થાય તો ગીરનાર ક્ષેત્રના વિકાસને વેગ મળશે. મીની કુંભ મેળો જાહેર થયા પછી આવતા વર્ષે પ્રથમ મીની કુંભ મેળો યોજાશે.

(4:29 pm IST)