Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

મેળો વિના વિધ્ને પુર્ણ,-ભવનાથ ખાલીઃ ભાવીકોએ વતનની વાટ પકડી

અંતિમ દિવસે માનવ કીડીયારૃઃ વિજયભાઇએ રવાડી નિહાળી

ભવનાથમાં ભવ્ય રવાડીઃ જુનાગઢઃ મહા શિવરાત્રીનો મેળો કાલે રાત્રીના ભવ્ય રવાડી બાદ પુર્ણ થયો હતો. કાલે રાત્રીના નીકળેલી રવાડીમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો જોડાયા હતા. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

 જુનાગઢ, તા., ૧૪: શિવરાત્રી મેળો સુખરૂપ અને વિના વિધ્ને પુર્ણ થતાં તંત્રએ રાહતનો દમ લીધો છે. મેળાની પુર્ણાહુતી સાથે ભાવીકોએ વતનની વાટ પકડી હતી.

અંતિમ દિવસે ભવનાથમાં માનવ કીડીયારૂ ઉભરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મહાનુભાવોએ રવાડી નિહાળી સંતોના દર્શન કર્યા હતા.

ગત તા.૯ ફેબ્રુઆરી, મહાવદ નોમથી ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ ખાતે મહા શિવરાત્રીનો પાંચ દિવસનો મેળો યોજાયો હતો. ગઇકાલે શિવરાત્રીએ દિગમ્બરમ સંતોનું સરઘસ (રવાડી)નીકળ્યું હતું.

હર હર મહાદેવ, બમ બમ ભોલેના નાદ તેમજ બેન્ડ વાજાની સુરાવલી વચ્ચે જુના અખાડા, આવાહન અખાડા અને અગ્નિ અખાડાની રવાડી અને તેની સાથે નાગા સાધુઓ પોતાના અખાડાની પાલખી સાથે અંગ કસરતના વિવિધ દાવ ખેલતા નિકળ્યા હતા.

તલવાર બાજી, લાઠી દાવ અને અંગ કસરતના પ્રયોગોથી સંતોએ ભાવીકોએ હેરત પમાડી દીધા હતા. સંતોની દિવ્ય રવાડી નિહાળવા અને દિગમ્બર સંતોના દર્શન માટે ભાવીકો બપોરથી જ રવાડીના રૂટ પર બેસી ગયા હતા. રાત્રે ૯.૧પ કલાકે શરૂ થયેલ સંતોની રવાડી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહીત મહાનુભાવોએ રાત્રે ૧૦.૪પ સુધી નિહાળી હતી.

રવાડીને લઇ મેળામાં અંતિમ દિવસે માનવ કીડીયારૂ ઉભરાયું હતું. ૪ લાખ ભાવીકોએ ગઇકાલે મેળો માણ્યો હતો.

ભવનાથના વિવિધ માર્ગો અને નિર્ધારીત રૂટ પર થઇને દિગમ્બર સહિત સંતો મધરાત્રે ભવનાથ મંદિર સ્થિત મૃગીકુંડ ખાતે શાહી સ્નાન માટે પહોંચ્યા હતા.

અહિ સંતોએ સ્નાન કરી ભવનાથ દાદાની મહાઆરતી કરી હતી. જે સાથે મેળો પુર્ણ થયો હતો.

પાંચ દિવસનો શિવરાત્રી મેળો સુખરૂપ અને વિના વિધ્ને સંપન્ન થતા કલેકટર ડો.રાહુલ ગુપ્તા, મ્યુનિ. કમિશ્નર વી.જે.રાજપુત, આઇપી ડો.રાજકુમાર પાંડીયન તથા એસપી નિલેશ જાજડીયા સહીત તંત્ર વાહકોએ નિરાંતનો દમ લીધો હતો.

મેળો પુરો થતા ભવનાથ વિસ્તાર ખાલી થઇ ગયો છે. ભાવીકોએ તેમના વતનની વાટ પકડી લીધી છે. કેટલાક યાત્રીકો અન્ય યાત્રાએ રવાના થયા હતા.

મેળા દરમ્યાન તળેટીમાં થયેલ કચરાનાં નિકાલ માટે મનપાના સફાઇ કર્મીઓ દ્વારા સઘન સફાઇ અભિયાન હાથ ધરી દેવામાં આવ્યું છે.

(4:02 pm IST)