Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

કોડીનાર નગરપાલિકા ચૂંટણીમાં રાજકીય વાતાવરણ ગરમાયું ૬૪ ઉમેદવારો દ્વારા પ્રચાર ઝુંબેશમાં એડીચોંટીનું જોર

કોડીનાર, તા. ૧૪ : કોડીનાર નગરપાલિકાની ચૂંટણી ૧૭ ફેબ્રુ.ના યોજાનાર છે. ત્યારે શહેરભરમાં ભારે પ્રચાર ઝુંબેશ શરૂ થઇ હોય રાજકીય વાતાવરણ ગરમાવા સાથે ચૂંટણીનો ધમધમાટ વચ્ચે શેરીએ શેરીએ નાસ્તાના તાવડા શરૂ થતાં આમ પ્રજાજનોમાં પણ ચૂંટણીનો માહોલ છવાયો છે. કોડીનાર નગરપાલિકા કબ્જે કરવા ભાજપ-કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર થઇ રહ્યો છે. તેમજ દરેક સમાજ વાઇઝ ગ્રુપ મિટીંગોનો દોર શરૂ થયો છે. કોડીનાર પાલિકાની ચૂંટણીમાં ભાજપના ર૮, કોંગ્રેસના ર૭ અને અપક્ષના ૯ મળી કુલ ૬૪ ઉમેદવારો ચૂંટણી લડવા મેદાનમાં છે. ભાજપમાંથી પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ ચેમ્બરપ્રમુખ હરીકાકા વિઠલાણી, શિવાભાઇ સોલંકી, જીજ્ઞાનભાઇ નકવી અને કોંગ્રેસમાંથી ધારાસભ્ય મોહનભાઇ વાળા, પૂર્વ ધારાસભ્ય ધિરસિંહ બારડ સહિતના આગેવાનો ચૂંટણીમાં પોતાના પક્ષને વિજય બનાવવા મહેનત કરી રહ્યા છે.

કોડીનારમાં છેલ્લા ૪ ટર્મથી ભાજપનું એકચક્રી શાસન છે. પહેલા ૯ વોર્ડ અને ર૭ સભ્યો હતા. જયારે નવા સિમાંકન બાદ વોર્ડ ઘટીને ૭ થયા છે અને ર૮ સભ્ય થતા નવા સિમાંકન બાદની પ્રથમ ચૂંટણી ભારે રસાકસી ભરી બની રહેવાની શકયતા છે.

(11:19 am IST)