Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

૫૦ લાખ ખંડણી પડાવવા માટે મોરબીના દેવનું અપહરણ કરાયુ'તુ

મુખ્ય સૂત્રધાર વિજય પટેલ પોતાની નવી ફેકટરી બનાવવા માટે અપહરણ અને ખંડણીનો પ્લાન ઘડયો'તોઃ વિજય પટેલ છેલ્લા એક માસથી મોર્નિંગ વોકમાં નીકળી શિકારની શોધમાં હતોઃ રીમાન્ડ પર રહેલ સની દેવનાની તથા સુધીર ચોરસીયાની કબુલાતઃ પકડાયેલ બન્ને શખ્સો સહિત અન્ય સાગરીતોને વિજયે બે થી ત્રણ લાખ આપવાનું નક્કી કર્યુ'તુઃ મુખ્ય સૂત્રધાર વિજય સહિત ૪ની શોધખોળઃ મજબૂત પુરાવા એકત્ર કરવા પી.આઈ. આર.જે. ચૌધરી તથા ટીમની કવાયત

રાજકોટ, તા., ૧૨ : મોરબીના ઉદ્યોગપતિના માસુમ પુત્ર દેવ (ઉ.વ.૬)ના અપહરણ પ્રકરણમાં રીમાન્ડ હેઠળ રહેલ બે શખ્સોની પોલીસ પૂછતાછમાં ચોંકાવનારી વિગતો ખુલી રહી છે. મુખ્ય સૂત્રધાર વિજય પટેલ તથા તેની ટોળકીનો માસુમ દેવના અપહરણ બાદ ૫૦ લાખ ખંડણી પડાવવાનો ઈરાદો હતો, પરંતુ જીઆરડી જવાન અને પોલીસની સક્રીયતાને કારણે આ ટોળકીનો પ્લાન નિષ્ફળ રહ્યો હતો. 

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઉદ્યોગપતિ જીજ્ઞેશભાઈ પાડલીયાના પુત્ર દેવ (ઉ.વ.૬)ના અપહરણ પ્રકરણમાં પકડાયેલ  સની તીર્થ દેવનાની (રહે. ભોપાલ) તથા સુધીર દયારામ ચોરસીયા (રહે. મુળ એમ.પી.)ને ગઈકાલે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે બન્ને આરોપીઓને ૧૦ દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. રીમાન્ડ પર રહેલ સની દેવનાની તથા સુધીર ચોરસીયાની એ-ડિવીઝનના પી.આઈ. આર.જે. ચૌધરી તથા સ્ટાફે આગવીઢબે પૂછપરછ કરતા બન્ને પોલીસ સમક્ષ પોપટ બની ગયા હતા. બન્નેએ પોલીસને એવી કેફીયત આપી હતી કે, મુખ્ય સૂત્રધાર વિજય પટેલે અપહરણ અને ખંડણીનો પ્લાન ઘડયો હતો. માસુમ દેવના અપહરણ બાદ તેને ગોંધી રાખી તેના પિતા પાસેથી ૫૦ લાખ ખંડણી પડાવવાનો વિજય પટેલનો પ્લાન હતો.

મુખ્ય સૂત્રધાર વિજય પટેલે ખંડણીની રકમ મળ્યા બાદ પોતે નવી ફેકટરી ખોલવાનો ઈરાદો ધરાવતો હતો અને અપહરણમાં સામેલ તેના સાગ્રીતોને બે થી ત્રણ લાખ રૂપિયા આપવાની તેમજ આ નવી ફેકટરીમાં સારી પોસ્ટ આપવાની લાલચ આપી હતી. એટલુ જ નહી મુખ્ય સૂત્રધાર વિજય પોતાનો પ્લાન પાર પાડવા માટે છેલ્લા એક મહિનાથી શિકારની શોધમાં હતો અને આ માટે તે રોજ વહેલી સવારે મોર્નિંગ વોકમાં નિકળતો હતો તે દરમિયાન ધનાઢય ઉદ્યોગપતિના મકાનોની રેકી કરતો હતો. આ રેકીમાં ઉદ્યોગપતિ જીજ્ઞેશ પાડલીયાનું મકાન તેના પ્લાનમાં ફીટ બેસી ગયુ હતું.

મુખ્ય સૂત્રધાર વિજય પટેલ હિન્દુસ્તાન સિકયુરીટીની મોરબીમાં બ્રાન્ચ ચલાવે છે તેમજ વિજય ગુર્જર કે જે સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે તેની મદદથી અન્ય સાગરીતોનો આ અપહરણમાં સાથ લીધો હતો.

આ અંગે તપાસનીશ અધિકારી એ-ડિવીઝનના પી.આઈ. આર.જે. ચૌધરીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યુ હતુ કે, હાલમાં રીમાન્ડ પર રહેલ બન્ને શખ્સોની પૂછતાછ હાથ ધરાઈ છે તેમજ આરોપીઓ સામે મજબૂત પુરાવા એકત્ર કરવા કવાયત હાથ ધરાઈ છે અને નાસી છૂટેલ મુખ્ય સૂત્રધાર વિજય મહાદેવભાઇ પટેલ (રહે. ગંગાદર્શન એપાર્ટમેન્ટ, કેનાલ ચોકડી, મોરબી), કુલદીપસિંહ ઉર્ફે પ્રદીપસિંહ વિક્રમસિંહ જાડેજા (રહે. વાઘરવા, તા. માળીયા) વિજયવાન ગુર્જર રહે. ભરતપુર  રાજસ્થાન અને આદિત્ય પ્રજાપતિ ઉર્ફે સ્વામીની શોધખોળ હાથ ધરાઈ છે.

મુખ્ય સૂત્રધાર વિજય પટેલ સહિત ૪ને ઝડપી લેવા મોરબી એસ.પી. જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી., એલ.સી.બી. તથા અન્ય પોલીસ ટીમ કામે લાગી છે.

(3:27 pm IST)