Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ઇશિતા ચાવડા અને ખ્યાતિબા જાડેજા દ્વારા ભરત નાટયમ્ ક્ષેત્રે મંચારોહણ

ગોંડલની દિકરીઓના આરંગેત્રમ પ્રસંગે રાજકોટ, અમદાવાદ, મુંબઇના કલાગુરૂઓએ ઉપસ્થિત રહી આશીર્વચનો વરસાવ્યા

રાજકોટ : ગોંડલની બે દિકરીઓ ઇશિતા પ્રશાંતભાઇ ચાવડા અને ખ્યાતિબા દેવેન્દ્રસિંહ જાડેજાએ ભારત નાટયમની તાલીમ લીધા બાદ આરંગેત્રમ સમારોહ સાથે મંચારોહણ કર્યુ હતુ. પુષ્પાંજલી, અલ્લારીપુ, જતીશ્વરમ, શબ્દમ, વર્ણમ નૃત્ય પ્રસ્તુતી તેમજ કિર્તનમ, શ્લોકમ, તિલ્લાના, મંગલમ સાથે ડેકોરા સીટી ગુંદાળા રોડ, ગોંડલ ખાતે યોજાયેલ દિશાંત સમારોહમાં વિશાળ સંખ્યામાં કલાપ્રેમીઓએ ઉપસ્થિત રહી નૃત્ય કલા નિહાળી હતી. એક એક નૃત્ય પ્રસ્તુતી પર તાલીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજતુ રહ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે ગોંડલની સેન્ટમેરી સ્કુલમાં ધો.૧૧ માં અભ્યાસ કરતી પ્રશાંતભાઇ ચાવડા અને ધર્મિષ્ઠાબેન ચાવડાની સુપુત્રી ઇશિતાએ કલાગુરૂ જીજ્ઞેશભાઇ સુરાણી અને કુ. ક્રિષ્નાબેન સુરાણી પાસેથી ભરત નાટયમની તાલીમ મેળવી હતી. એજ રીતે દેવેન્દ્રસિંહ જાડેજા અને ઉષાબા જાડેજાના સુપુત્રી ખ્યાતિબા પણ છેલ્લા ૬ વર્ષથી ભરત નાટયમની તાલીમ કલાગુરૂ જીજ્ઞેશભાઇ સુરાણી અને કુ. કિષ્નાબેન સુરાણી પાસેથી લઇ રહ્યા હતા. દરમિયાન આ  મંચારોહણ સમારોહ પ્રસંગે ગુરૂ શ્રી ખમ્મા પરાગ શાહ નૃત્ય સ્કુલ ઓફ ડાન્સ અમદાવાદ, ગુરૂશ્રી વૈભવ આરેકર શંંખિયા ડાન્સ ક્રીએશન મુંબઇ,  ગુરૂ જીજ્ઞેશભાઇ સુરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેઓશ્રીના હસ્તે ઇશિતા ચાવડા અને ખ્યાતિબા જાડેજાને સન્માનપત્રો એનાયત કરવામાં આવેલ. તસ્વીરમાં નૃત્ય કલાની પ્રસ્તુતી કરતી ઇશિતા ચાવડા અને ખ્યાતિબા જાડેજા તેમજ તેઓને કલાગુરૂઓના હસ્તે સન્માનપત્રો એનાયત કરાયા હતા તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(11:37 am IST)