Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

સુરેન્દ્રનગર જીલ્લામાં સુરૂચિ-નિતિનો ભંગ થતો હોય તેવા ભાષણ આપવા ઉપર પ્રતિબંધ

વઢવાણ,તા.૧૩:  વિધાનસભાની પેટા ચૂંટણી – ૨૦૨૦ અંતર્ગત ચૂંટણી આચાર સંહિતાની જોગવાઈઓના અમલ માટે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભરત જોષીએ એક હુકમ દ્વારા સુરુચિ – નિતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ કરવા ઉપર પ્રતિબંધ મૂકયો છે.

આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી, નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેરખબરો અથવા બીજા પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી, તેનો ફેલાવો કરવાથી અથવા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરુચિ – નિતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, ચાળા કરવાની અને ચિત્રો – નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા ફેલાવો કરવાના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

પરવાનગી આપવાના અધિકારો લીંબડી મામલતદારને સોંપાયા

લીંબડી વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા આ મતદાર વિભાગમાં ચૂંટણીના પ્રચાર માટે સભા - સરઘસની પરવાનગી આપવાના અધિકારો મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને મામલતદારશ્રી - લીંબડીને આપવામાં આવ્યા છે.

આ બાબતે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને મામલતદારશ્રી, લીંબડી દ્વારા પેટા ચૂંટણી અન્વયે ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટો, રાજકીય પક્ષો કે કોઈ પણ વ્યકિત તરફથી સભા ભરવા- સરઘસ કાઢવા અંગેની માંગણીઓ પરવાનગી મેળવવા માટે રજૂ થાય કે તરત જ અધિકારીની રૂએ અરજી રજીસ્ટરે લઈ તપાસ માટે પોલીસ ખાતાને મોકલી તપાસ અહેવાલ મળ્યા બાદ પરવાનગી સક્ષમ અધિકારી તરીકે ગુણદોષ જોઈ તુરત જ આપવાની રહેશે.

આ માટે દરેક કચેરીમાં સભા-સરઘસની પરવાનગી મળવાની અરજીઓનું એક રજીસ્ટર નિભાવવાનું રહેશે. તેમજ એક જ સ્થળે અને એક જ સમયે કોઈ માંગણી આવે તો અગ્રતાના ધોરણે નિકાલ કરી પરવાનગી આપવાની રહેશે.

(11:30 am IST)