Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

પોરબંદરનાં સ્‍થાપના દિનની ઐતિહાસિક ઉજવણી માટે નગરપાલિકા રસ લેતી નથી ?

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૩ નાળિયેરી પુનમે પોરબંદરના સ્‍થાપના અને નામકરણનો ૧૦૩૩મા દિવસની ઉજવણી માટે નગરપાલિકા કોઇ કાર્યક્રમનું આયોજન નહી કરાતા લોકોમાં કચવાટ થઇ રહેલ છે.
પોરબંદરના નામકરણ દિનના એક હજાર વર્ષ પુર્ણ થયાં તે સમયે સહષા શતાબ્‍દી મહોત્‍સવ ઉજવણીનું આયોજન પાલિકાના પુર્વ પ્રમુખ રમેશભાઇ હિંગરાજીયા અને પુર્વ ઉપપ્રમુખ ગોવિંદભાઇ કારાભાઇ તોરાણીયાના સમયમાં કરવામાં આવ્‍યુ હતુ. ત્‍યારપછી કેટલાંક વર્ષો સુધીજળ વ્‍યવહાર સાથે સંકળાયેલા વેપારીઓ વહાણ માલિકો તથા સાગર ખેડુતો દ્વારા પોરબંદરના સ્‍થાપના દિનની ઉજવણી કરાઇ હતી. તે પહેલા સ્‍ટેટ વખતમાં પોરબંદરના નામકરણ દિને જુના બંદર અસ્‍માવતી ઘાટે મહારાણા નટવરસિંહજી જેઠવા અને નગરશેઠ સાથે માંગલિક વાદ્યો સાથે સાંજે રક્ષાબંધનનો દિવસે આવીને બારા પુજન કરીને ખેડુ લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરતાં હતાં.
નગરપાલિકાના પ્રમુખપદે પંકજભાઇ મજીઠીયાની આગેવાની હેઠળ સને ર૦૦૩ થી ર૦૧પ સુધી પોરબંદરના નામકરણ અને સ્‍થાપના દિનની ઉજવણી પ્રતિવર્ષ કરવામાં આવતી હતી. તે સમયે સ્‍થાપના દિને હેરીટેજ  વોક, રમત ગમત સ્‍પર્ધા હોડી શણગાર તથા સાંસ્‍કૃતિક અને ઐતિહાસિક માહિતીના પ્રસાર કાર્યક્રમો યોજાયા હતાં. છેલ્લા કેટલાંક વર્ષોથી પોરબંદરના સ્‍થાપના દિનની ઉજવણી માટે પાલિકા રસ લેતી નથી અને ઠરાવ અને ખર્ચ મંજુર કરાતાની પણ ચર્ચા થઇ રહી છે.

 

(1:28 pm IST)