Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના રેગ્‍યુલર કુલપતિ તરીકે ડો. વી. પી. ચોવટીયાની નિમણુંક

અગાઉ ઇન્‍ચાર્જ કુલપતિ તરીકે પણ ફરજ બજાવી હતીઃ રેગ્‍યુલર વી. સી. તરીકે પાંચ વર્ષ ફરજ બજાવશેઃ રીસર્ચ ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન

રાજકોટ તા. ૧૩ :.. સમગ્ર ગુજરાતમાં ચાર સ્‍થળો દાંતીવાડા, જુનાગઢ, નવસારી અને આણંદ ખાતે કૃષિ યુનિવર્સિટીઓ અસ્‍તિત્‍વ ધરાવે છે ત્‍યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના રેગ્‍યુલર વાઇસ ચાન્‍સેલર તરીકે ડો. વી. પી. ચોવટીયાની નિમણુંક કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. નિયમિત કુલપતિ તરીકે તેઓ પાંચ વર્ષ સુધી ફરજ બજાવશે. ડો. વી. પી. ચોવટીયાએ અગાઉ પણ કૃષિ યુનિવર્સિટીમાં ઇન્‍ચાર્જ કુલપતિ તરીકે ફરજ બજાવી હતી. તેઓ હાલના ઇન્‍ચાર્જ કુલપતિ ડો. નરેન્‍દ્રભાઇ ગોંટીયાનું સ્‍થાન લેશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે ડો. પાઠકની ટર્મ પૂર્ણ થતાં લગભગ છેલ્લા ત્રણેક વર્ષથી  ઇન્‍ચાર્જ કુલપતિની નિયુકિત કરવામાં આવી હતી. જેમાં પણ ડો. વી. પી. ચોવટીયા ઇન્‍ચાર્જ કુલપતિ તરીકે કાર્યરત રહ્યા હતાં. ત્‍યારબાદ થોડો સમય દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિને પણ થોડો સમય જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચાર્જ સોંપાયો હોવાનું જાણવા મળે છે.

હવે જયારે સરકાર તરફથી નિયમિત કુલપતિ તરીકે ડો. વી. પી. ચોવટીયાની પાંચ વર્ષ માટે નિયુકિત કરવામાં આવી છે ત્‍યારે શિક્ષણ અને સંશોધન પ્રવૃતિને પણ વધુ વેગ મળશે. તેવો વિશ્વાસ શિક્ષણવિદ્‌્‌ો વ્‍યકત કરી રહ્યા છે. ડો. વી. પી. ચોવટીયાએ અગાઉ રીસર્ચ ક્ષેત્રે પણ ગ્રાઉન્‍ડ લેવલે ઘણું સમાજોપયોગી અને શિક્ષણલક્ષી કાર્ય કર્યુ હોવાનું જાણવા મળે છે. 

(1:26 pm IST)