Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

જામનગરના ભીડભંજન માર્ગે ચાલી રહેલા ગેરકાયદે મેળાને બંધ કરાવવા પ્રદર્શન મેદાનના મેળાના ધંધાર્થીઓની રજૂઆત

જામનગરના જિલ્લા કલેકટર- એસ.પી.- મ્યુનિ. કમિશનર- વીજ તંત્રના અધિકારીને ગેરકાયદે મેળો બંધ કરાવવા આવેદન અપાયું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૩: જામનગરમાં ભીડભંજન મંદિરની બાજુની જગ્યામાં ગેરકાયદે મેળો ચલાવવામાં આવી રહ્યો છે, તેવી રજૂઆત સાથે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ચાલી રહેલા મહાનગરપાલિકા સંચાલિત શ્રાવણી મેળાના ધંધાર્થીઓએ વિરોધ દર્શાવ્યો છે, અને ગેરકાયદે મંજૂરી વગર ચાલી રહેલો મેળો બંધ કરાવવા માટે જિલ્લા કલેકટર શ્રી, કમિશનર શ્રી, જિલ્લા પોલીસ વડા, વીજ અધિકારી વગેરેને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે.

 જામનગર મહાનગરપાલિકા દ્વારા ૧૬ દિવસ માટેના શ્રાવણી મેળા નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મેળાના ધંધાર્થીઓ સબીરભાઈ અખાણી, નિલેશ મંગે વગેરે દ્વારા આજે જિલ્લા કલેકટર કચેરીએ તેમજ મહાનગરપાલિકાના કમિશનરની કચેરીએ તેમજ એસ.પી. કચેરીએ પહોંચી જઈ વિસ્તૃત આવેદન આપ્યું છે, અને પોતાના ધંધાને ખૂબ જ અસર કર્તા રહે તેવા આ ગેરકાયદે મેળા ને બંધ કરાવવા માટેની રજૂઆત કરી છે.

 ઉપરોકત ખાનગી મેળા વાળી જગ્યામાં  જે સ્કૂલ વાળું બિલ્ડીંગ છે, તેમાંથી જ ગેરકાયદે વીજ જોડાણ મેળવી લઈ મેળો ચાલુ કરી દેવાયો છે, અને છેલ્લા એકાદ વર્ષથી આ ગેરકાયદે મેળો ચાલુ રહ્યો છે, જેમાં કોઈ પણ -કારનું ફાયર વિભાગનું એનઓસી મેળવાયું નથી. યાંત્રિક રાઇડ ચલાવવા માટેની કોઈ મંજૂરી મેળવવામાં આવી નથી, ઉપરાંત ઇલેકિટ્રક વિભાગનું એનઓસી કે કોઈ પણ પ્રકારનો વીમો નથી લેવાયો. પ્રાંત અધિકારીની કચેરી માંથી મેળા ચાલુ કરવા માટેનું પરફોર્મન્સ લાઇસન્સ પણ મેળવાયું નથી, અને સંપૂર્ણપણે ગેરકાયદે રીતે મેળો ચાલુ રાખીને મોટાપાયે પૈસાના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે, જે મેળો તાત્કાલિક અસરથી બંધ કરાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

 તેમજ ગેરકાયદે મેળો ચલાવનારા અને વીજ ચોરી સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા મેળા સંચાલક યુનુસ નૂરશા શાહમદાર સામે પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી થાય, તેવી પણ માંગણી કરવામાં આવી છે.

(4:04 pm IST)