Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ખંભાળીયા પોણા ત્રણ, દ્વારકામાં અઢી અને સૂત્રાપાડામાં પોણા બે ઈંચ વરસાદઃ કલ્યાણપુરમાં વધુ એક ઈંચઃ સૌરાષ્ટ્ર-કચ્છના ૨૦ તાલુકામાં હળવા-ભારે ઝાપટા

રાજકોટ, તા. ૧૩ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે અને કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે બપોરના ૨ થી ૪ દરમિયાન ઝાપટાથી લઈને પોણા ત્રણ ઈંચ જેટલો વધુ વરસાદ વરસ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં બે કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે દ્વારકા શહેરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ ગાજવીજ સાથે વરસતા રસ્તા ઉપરથી પાણી ફરી વળ્યા હતા અને અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.

આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં બપોરે ૧૨ થી ૨ દરમિયાન ૨ ઈંચ વરસાદ બાદ વધુ એક ઈંચ વરસાદ ૨ થી ૪ દરમિયાન વરસ્યો હતો.

જ્યારે ઉના, ગીરગઢડા, કોડીનાર, તાલાળા, વેરાવળ, કાલાવડ, જામજોધપુર, લાલપુર, અમરેલી, જાફરાબાદ, બાબરા, ગોંડલ, પડધરી, રાજકોટ, લોધીકા, નખત્રાણામાં વરસાદી ઝાપટા વરસ્યા છે.

રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે કંટ્રોલ રૃમમા ૧૦ મી.મી. નોંધાયો હતો. જો કે આ લખાય છે ત્યારે વરસાદે વિરામ લીધો છે અને ધૂપછાંવનો માહોલ છે.

જૂનાગઢના પ્રતિનિધિ વિનુ જોશીના અહેવાલમા જણાવાયુ છે કે કેશોદ, માંગરોળ, માળીયાહાટીના અને વિસાવદરમાં વરસાદી ઝાપટા પડયા છે.

(4:28 pm IST)