Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

જામનગર જીલ્લાના તમામ તાલુકા મંડલોમાં ભાજપની કારોબારી એક જ દિવસે યોજાઇઃ અનેરો ઉત્સાહ

જીલ્લા ભાજપના સંકલ્પ અનુસાર પ૧ હજાર પૈકી ૧પ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર

જામનગર, તા., ૧૩:  પ્રદેશ ભાજપની સુચના અનુસાર જામનગર જીલ્લા ભાજપના પદાધિકારીઓ દ્વારા જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરાના માર્ગદર્શન હેઠળ સુદ્રઢ આયોજન કરી શનીવારના રોજ એક જ દિવસે જામનગર જીલ્લાના તમામ દશેય તાલુકા તથા શહેરી મંડલોની કારોબારીનું આયોજન કરવામાં આવેલ.

દરેક શહેરી તેમજ તાલુકા મંડલની કારોબારી બેઠક સ્થાનીક પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને તાલુકા ભાજપના પદાધિકારીઓ, કારોબારી સભ્યો, જીલ્લા તેમજ તાલુકા પંચાયતના ચુંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહેલ. જીલ્લામાંથી ઉપસ્થિત આગેવાનોએ જે તે પ્રસ્તાવ અને વિષય અનુસંધાને કાર્યકરોને માર્ગદર્શન આપેલ. દરેક તાલુકા મંડલોમાં કોરોનાની મહામારીમાં અવસાન પામેલ નાગરીકો અને કાર્યકરોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવેલ. આ ઉપરાંત સેવા હી સંગઠન હેઠળ કાર્યકરોની મહેનતને આગેવાનોએ બીરદાવેલ. આ ઉપરાંત રાજકીય પ્રસ્તાવ તેમજ કેન્દ્ર અને રાજય સરકારની વિશિષ્ટ કામગીરીનો અભિનંદન પ્રસ્તાવ પસાર કરાયેલ. વિશેષમાં પક્ષના આગામી કાર્યક્રમો વધુ અસરકારક  બને તે માટે સૌ કાર્યકરોને આહવાહન કરવામાં આવેલ. કોવીડ ચુનૌતિકા સામના વિષય અંતર્ગત જીલ્લાના આગેવાનોએ કેન્દ્ર અને રાજય સરકારે કોરોનાની મહામારીમાં કરેલ કામગીરીની માહીતી આપેલ.

જીલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઇ મુંગરાએ જામનગર તાલુકા ભાજપ કાલાવડ તાલુકા તેમજ કાલાવડ શહેરની કારોબારીમાં ખાસ ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહીત કરેલ. જામનગર તાલુકામાં ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, પ્રભારી પી.ડી.જાડેજા, જીલ્લા ભાજપના પુર્વ પ્રમુખો સુર્યકાંતભાઇ મઢવી, ડો.પી.બી.વસોયા, ચંદ્રેશભાઇ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય ડો. વિનોદ ભંડેરી, દિલીપસિંહ ચુડાસમા, હસમુખભાઇ કણઝારીયા ઉપસ્થિત રહેલ. સિક્કા શહેર ખાતે યોજાયેલ કારોબારી બેઠકમાં જીલ્લા મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, પ્રભારી ડી.જીવાણી ઉપસ્થિત રહેલ. જોડીયા ખાતે કારોબારી બેઠકમાં જીલ્લા મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, પ્રભારી નાથાભાઇ વારસકીયા ઉપસ્થિત રહેલ. ધ્રોલ શહેર ખાતે જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા,  પ્રભારી રણમલભાઇ કાંબરીયા તથા કે.કે.નંદા ઉપસ્થિત રહેલ. ધ્રોલ તાલુકામાં જીલ્લા મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, પ્રભારી ગાંડુભાઇ ડાંગરીયા હાજર રહેલ. કાલાવાડ તાલુકા તથા શહેરમાં જીલ્લા ભાજપ પ્રમુખ ઉપરાંત પ્રભારી કૌશીકભાઇ રાબડીયા, જિલ્લા મંત્રી કુમારપાલસિંહ રાણા હાજર રહેલ. લાલપુર ખાતે પુર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઇ શાપરીયા, જીલ્લા મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, પ્રભારી સુધાબેન વીરડીયા, કૌશીકભાઇ રાબડીયા ઉપસ્થિત રહેલ.  જામજોધપુર શહેર તથા તાલુકાની સંયુકત કારોબારી બેઠકમાં પ્રભારી ડો.વિનોદ ભંડેરી, અભિષેક પટવા તથા પ્રતિક્ષાબા જાડેજા ઉપસ્થિત રહેલ.

જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરાના નેતૃત્વમાં જીલ્લા સંગઠન દ્વારા જીલ્લામાં પ૧૦૦૦ વૃક્ષો વાવી, ઉછેર કરવાનો વિશિષ્ટ સંકલ્પ કરેલ છે. જે અંગે જીલ્લા અધ્યક્ષ અને તમામ આગેવાનોએ તાજેતરમાં યોજાયેલ સંગઠન બેઠકોમાં કાર્યકરોને આહવાહન  કરતા કાર્યકરોએ હર્ષની લાગણીથી વાતને વધાવતા હાલ ૧૫૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે.

(1:17 pm IST)