Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

સાવરકુંડલાના વેપારી સાથે અઢી કરોડની છેતરપીંડી

ડીસા પંથકના કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ ઍરંડા - શીંગદાણા ચાઉ થઇ ગયા : કોલ્ડ સ્ટોરેજની જગ્યાઍ બહુમાળી કોમ્પ્લેક્ષનું બાંધકામ થઇ ગયું : કોલ્ડ સ્ટોરેજના માલીકે હાથ ઉંચા કરી દીધા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૧૩ : મોટા ટર્નઓવર ધરાવતા અને ઉચક વેપાર કરતા મોટા વેપારીઓ માટે લાલબત્તી ધરતો કિસ્સો સાવરકુંડલાના વેપારી સાથે બનવા પામ્યો છે.

વેપારીજગતમાં ચર્ચાઇ રહેલી વિગતો મુજબ સાવરકુંડલામાં મોટાપાયા ઉપર શીંગદાણાનો વેપાર ધરાવતા એક વેપારીએ ડિસા પંથકમાં આવેલા એક કોલ્ડ સ્ટોરેજમાં શીંગદાણા અને એરંડા અંદાજે અઢી કરોડની કિંમતના સ્ટોરેજ કરવામાં આવ્યા હતા. કોલ્ડ સ્ટોરેજમાં રાખેલો માલ સુરક્ષિત હોવાનું માનતા વેપારી આઠેક માસ બાદ ડીસા પથંકમાં ધંધાર્થે ગયા હતા.

ત્યારે પોતાનો માલ જે કોલ્ડ સ્ટોરેજમાં રાખેલો ત્યાંની મુલાકાતે જતા તેના પગ નીચેથી ધરતી ખસી ગઇ હતી જે જગ્યાએ કોલ્ડ સ્ટોરેજ હતું અને વેપારીનો અંદાજે અઢી કરોડની કિંમતનો માલ રાખવામાં આવ્યો હતો તે સ્થળે કોલ્ડ સ્ટોરેજ પાડી નાખવામાં આવ્યું હતું.

ત્યાં બહુમાળી કોમ્પ્લેક્ષનું બાંધકામ થઇ રહ્યું હતું. હાફળા-ફાફળા થયેલા વેપારીએ કોલ્ડ સ્ટોરેજના માલીકનો સંપર્ક કરી પોતાના માલ અંગે પૂછપરછ કરેલી પરંતુ કોલ્ડ સ્ટોરેજ માલીકે હાથ ઉંચા કરી દીધા હતા. બીજી તરફ ઉંચક અને બીલ વગરનો માલ કોલ્ડ સ્ટોરેજમાં રાખેલો હોય છેતરપીંડીનો ભોગ બનેલા વેપારીએ કાયદેસરની કાર્યવાહી કરવાનું ટાળી છેતરપીંડી સહન કરી લીધી છે.

(1:12 pm IST)