Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ચોટીલાના મેવાસામાં ઘોડીપાસાના પાટલા પર દરોડોઃ ૩ાા લાખની રોકડ સાથે ૬ પકડાયાઃ તેમાંથી મહેશ ગમારાનું મોત

નાની મોલડી પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમી પરથી લાલા મુંધવાના પડતર બંધ મકાન પાસે દરોડો પાડી રાજકોટના હિસ્ટ્રીશીટર મહેશ ગમારા સહિત ૬ને પકડી પોલીસ સ્ટેશને લઇ જઇ કાર્યવાહી હાથ ધરી ત્યાં મહેશ ગમારા સહિત ત્રણની તબિયત બગડતાં ચોટીલા હોસ્પિટલે ખસેડ્યાઃ જ્યાં મહેશનું મોત થયું : મહેશ હાર્ટનો દર્દી હતોઃ દરોડામાં પકડાઇ જતાં ગભરાઇ જતાં હૃદય બેસી ગયાનું પોલીસનું તારણઃ સ્વજનોએ આક્ષેપ કર્યો કે-પોલીસે સારવારમાં મોડા પહોંચાડતાં મોત થયું: મોતનું ચોક્કસ કારણ જાણવા રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

(હેમલ શાહ-ચોટીલા) રાજકોટ તા. ૧૩: ચોટીલા તાલુકાના મેવાસા શેખલીયા ગામે ધમધમતી જુગાર કલબ પર પોલીસે દરોડો પાડતાં નાસભાગ મચી ગઇ હતી. જેમાં પોલીસથી બચવા માટે જૂગારીઓએ દોડાદોડી કરી મુકી હતી. પણ પોલીસની ટીમે રાજકોટમાં નામચીનની છાપ ધરાવતાં મહેશ ગમારા, તેના ભાણેજ નિલેષ સહિત ૬ને ઘોડીપાસા રમતાં પકડી લઇ રૂ. ૩,૫૬,૦૮૦ રોકડા તથા કાર, મોબાઇલ ફોન મળી રૂ. ૬,૮૬,૫૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કાર્યવાહી ચાલુ હતી ત્યારે જ મહેશ ગમારા સહિત ત્રણની તબિયત બગડતાં ચોટીલા હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ મહેશનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બેને રાજકોટ ઓપીડી સારવાર અપાઇ હતી. મહેશનું મોત હાર્ટએટેકથી થયું કે પોલીસે તેને હોસ્પિટલે ખસેડવામાં વાર લગાડી એ કારણે કે અન્ય કારણે? તે મામલે રાતે તેના પરિવારજનો અને પોલીસ વચ્ચે ભારે ચડભડ થઇ હતી. મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે.

ચોટીલાના નાની મોલડી પોલીસ સ્ટેશશની ટીમના એએસઆઇ મનસુખભાઇ રાજપરા, કોન્સ. વલ્લભભાઇ ખટાણા, ડ્રાઇવર દિનેશભાઇ ગઢવી સહિતના સાંજે દારૂના ગુનાની તપાસના કામે લોમાકોટડી ગામે ગયા હતાં. ત્યાંથી તપાસ પુરી કરી સાંજના સાતેક વાગ્યે પરત નીકળ્યા ત્યારે સાથેના કોન્સ. વલ્લભભાઇ ખટાણાને બાતમી મળી હતી કે મેવાસા (શે) ગામમાં બાપા સિતારામના ઓટા પાસેથી જતી ગલીમાં લાલા સિંધા મુંધવાના પડતર બંધ મકાન પાસે જાહરેમાં કેટલાક શખ્સો ભેગા થઇ ઘોડીપાસાથી જૂગાર રમી રહયા છે.

આ માહિતીને આધારે પીએસઆઇ પી.આર. સોનારાને જાણ કરવામાં આવતાં તેમણે હેડકોન્સ. માલાભાઇ કલોતરા, કોન્સ. ભરતભાઇ મીર સહિતને મેવાસા ગામ તરફ જતાં કોઝવે પાસે પહોંચવા સુચના આપી હતી. એ પછી તમામ સ્ટાફે પંચને સાથે રાખી દરોડો પાડતાં ત્યાં એક ફોરવ્ીહલ પડી હોઇ અને નજીકના પડતર મકાન પાસે કુંડાળુ વળી જૂગાર રમાતો હોઇ પોલીસને જોતાં જ રમનારાઓએ ભાગવા માટે દોડાદોડી કરી મુકી હતી. પરંતુ બધાને બળપ્રયોગ કરી કોર્ડન કરી પકડી લેવાયા હતાં.

પકડાયેલા શખ્સોના નામ પુછાતાં મુકેશ લક્ષ્મીદાસ કોટક (ઉ.વ.૬૦-રહે. હવેલી ચોક દરબાર ગઢ રાજકોટ), મહેશ સોમાભાઇ ગમારા (ઉ.વ.૩૮-રહે. પેડક રોડ રત્નદિપ સોસાયટી રાજકોટ), સતાર હબીબભાઇ કોટલીયા (ઉ.વ.૪૫-રહે. બજરંગવાડી રાજીવનગર-૯ રાજકોટ), નિલેષ મુળુભાઇ મુંધવા (ઉ.વ.૨૪-રહે. પેડક રોડ આર્યનગર-૧૨ રાજકોટ), ઇમરાન નુરાભાઇ કાલવા (ઉ.વ.૩૫-રહે. રામનાથપરા) તથા અલ્પેશ ઉર્ફ દિપો મનોજભાઇ ડોડીયા (ઉ.વ.૩૯-રહે. રણછોડનગર) જણાવ્યા હતાં.

પોલીસે આ બધા પાસેથી કુલ રૂ. ૩,૫૬,૦૮૦, રૂ. ૩૦૫૦૦ના ચાર મોબાઇલ ફોન તથા જીજે૦૩જેઆર-૬૦૦૫ નંબરની ૩ લાખની આઇ-૧૦ કાર તથા એક ઘોડીપાસો, પાથરણું મળી કુલ રૂ. ૬,૮૬,૫૮૦નો મુદમાલ કબ્જે કરી જૂગારધારાનો કેસ કરી ધરપકડની તજવીજ કરી હતી.

જેમાં મુકેશ કોટક પાસેથી રૂ. ૬૧ હજાર રોકડા તથા મહેશ ગમારા પાસેથી રૂ. ૨૭ હજાર રોકડા, સતાર કોટલીયા પાસેથી રૂ. ૯૫,૫૦૦ રોકડા, નિલેષ મુંધવા પાસેથી રૂ. ૬૦,૫૦૦ રોકડા, ઇમરાન પાસેથી રૂ. ૩૪૧૩૦ રોકડા તથા અલ્પેશ ઉર્ફ દિપો પાસેથી રૂ. ૪૫૪૫૦ રોકડા રૂપિયા કબ્જે થયા હતાં.

પોલીસ આ બધાને પકડી પોલીસ સ્ટેશને લાવી હતી અને ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે મહેશ ગમારા, મુકેશ કોટક અને સતાર કોટલીયાએ પોતાને ગભરામણ થતી હોવાની ફરિયાદ કરી હતી. મહેશને અગાઉ હૃદયની તકલીફ હોઇ પ્લેન બેસાડેલુ હોઇ તેણે પણ તબિયત બગડી હોવાનું કહેતાં ત્રણેયને ચોટીલા હોસ્પિટલે લઇ જવાયા હતાં. પરંતુ અહિ મહેશનું મોત નિપજ્યું હતું. જૂગાર રમતાં પકડાઇ જતાં તે હૃદયનો દર્દી હોઇ ગભરાઇ જવાથી હૃદય બેસી ગયાનું પોલીસે જાહેર કર્યુ હતું.

આ અંગે મહેશ ગમારાના પરિવારજનોને જાણ કરાતા રાજકોટથી અનેક વાહનોમાં તેમના પરિવારજનો અને સગા સંબંધી તેમજ અન્ય લોકો ચોટીલા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પરિવારજનોના આક્ષેપ મુજબ મહેશને સમયસર પોલીસે સારવાર આપી નહોતી જેથી તેનું મોત નીપજ્યું છે.  મોતનું ચોક્કસ કારણ જાણવા મહેશના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. 

અન્ય બે આરોપી મુકેશ કોટક અને સતાર કોટલીયાને ગભરામણ થઇ હોઇ તેને રાજકોટ હોસ્પિટલમાં ઓપીડી સારવાર અપાઇ હતી.

મૃત્યુ પામનાર મહેશ ગમારા બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ મહેશ વિરૂધ્ધ અગાઉ મારામારી, મનીલેન્ડ, હત્યાની કોશિષ, ફાયરીંગ સહિતના અનેક ગુના નોંધાઇ ચુકયા હતાં. હવે તે ઘોડીપાસા રમતાં પકડાઇ ગયા બાદ તેની તબીયત બગડી હતી અને હાર્ટ એટેક આવી ગયો હતો.

જો કે મૃતકના ભાઇ મુકેશભાઇ ગમારા સહિતે પોસ્ટ મોર્ટમ રૂમ ખાતેથી એવું કહ્યું હતું કે પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ અમે આ ઘટનામાં વિશેષ નિવેદન આપશું.

  • છ જણા રાજકોટથી ઘોડીપાસા રમવા ગયા હતાં

પોલીસે છએયને પકડી લઇ કુલ રૂ. રૂ. ૩,૫૬,૦૮૦ કબ્જે કર્યા છે. જેમાં  મુકેશ કોટક પાસેથી રૂ. ૬૧ હજાર રોકડા તથા મહેશ ગમારા પાસેથી રૂ. ૨૭ હજાર રોકડા, સતાર કોટલીયા પાસેથી રૂ. ૯૫,૫૦૦ રોકડા, નિલેષ મુંધવા પાસેથી રૂ. ૬૦,૫૦૦ રોકડા, ઇમરાન પાસેથી રૂ. ૩૪૧૩૦ રોકડા તથા અલ્પેશ ઉર્ફ દિપો પાસેથી રૂ. ૪૫૪૫૦ રોકડા રૂપિયા કબ્જે થયા હતાં.

(11:39 am IST)