Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

કચ્છના માંડવીના નાગલપુર ગામે ડૂબી જતાં પિતા પુત્રીના મોત

પોતાના સાળાને ઘેર જમવા જતા હતા ત્યારે રસ્તામાં ચેકડેમ નજીકથી પાણી ભરેલા રસ્તે પસાર થતાં પાણી ભરેલા ખાડામાં એકાએક ગરક થઈ ગયા

(વિનોદ ગાલા દ્વારા) : માંડવીના નાગલપુર ગામે ડૂબી જતાં પિતા પુત્રીના મોત કચ્છમાં વરસાદી પાણીએ પિતા પુત્રીનો ભોગ લીધો છે. માંડવીના  ઢીંઢ ગામથી બાજુમાં આવેલ નાગલપુર ગામે પગપાળા જઈ રહેલા પિતા પુત્રી એ પોતાના જીવ ગુમાવતાં અરેરાટી છવાઈ છે. ૬૦ વર્ષીય પ્રૌઢ સાલેમામદ સુલેમાન સુમરા પોતાની દીકરી ફાતિમા (ઉ.૨૫) સાથે પોતાના સાળાને ઘેર  જમવા જતા હતા. પરંતુ રસ્તામાં તેઓ ચેકડેમ નજીકથી પાણી ભરેલા  રસ્તે પસાર થતાં હતાં ત્યારે પાણી ભરેલા ખાડામાં તેઓ એકાએક ગરક થઈ ગયા હતા. બન્ને પિતા પુત્રી ગુમ થઈ જતાં રસ્તામાં તપાસ કરતા તેમના શબ પાણી ભરેલા ખાડામાં મળી આવ્યા હતા.

     ગરમી અને બફારા વચ્ચે કચ્છમાં સતત બીજે દિવસે પણ મેઘરાજાની કૃપા રહી છે. રાત્રે જામેલા વરસાદી માહોલ વચ્ચે મુન્દ્રા અને નખત્રાણામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ભુજ, ગાંધીધામ, અંજાર અને લખપતમાં પોણો ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. અન્યત્ર ભચાઉ, રાપર અને અબડાસામાં વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ક્યાંક સામાન્ય ઝરમર ઝરમર વરસાદ છે. જોકે, એકંદરે કચ્છમાં ભારે ગરમી વચ્ચે બફારા સાથે વરસાદી માહોલ વરતાઈ રહ્યો છે.

(10:24 am IST)