Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સૈનિક સ્‍કૂલ બાલાચડી, જામનગરના આચાર્ય તરીકે કર્નલ શ્રેયશ એન મહેતાની નિમણૂક

સૈનિક સ્‍કૂલ બાલાચડી, જામનગરમાં ગ્રુપ કેપ્‍ટન રવિંદર સિંઘ અને કર્નલ શ્રેયસ એન.મહેતા વચ્‍ચે બેટનની બદલી થઇ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૩ : કર્નલ શ્રેયશ એન મહેતાની ૬ જૂન ૨૦૨૨ના રોજ સૈનિક સ્‍કૂલ બાલાચડી, જાનગરના આચાર્ય તરીકે નિમણૂક થઈ. તેમણે સૈનિક સ્‍કૂલ બાલાચડીનો કાર્યભાર ગૃપ કેપ્‍ટન રવિન્‍દર સિંહ પાસેથી સંભાળ્‍યો હતો.

આ તકે આઉટગોઇંગ આચાર્ય ગૃપ કેપ્‍ટન રવિન્‍દર સિંહને વિદાય આપવા માટે અને નવ નિયુક્‍ત આચાર્ય કર્નલ શ્રેયશ એન મહેતાનું સ્‍વાગત કરવા માટે, સ્‍કૂલ સભાખંડમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ શિક્ષક શ્રી આર.કે. સુવાગિયાએ નવ નિયુક્‍ત આચાર્યની શાનદાર પ્રોફાઇલ રજૂ કરી હતી. સ્‍કૂલ કેડેટ કેપ્‍ટન રીષભ વાજાએ કાવ્‍ય પાઠ દ્વારા તથા કેડેટ નીલ પટેલ અને કેડેટ વેદાંત કોટડિયા દ્વારા આઉટગોઇંગ આચાર્યશ્રીના સન્‍માન માટે વક્‍તવ્‍ય આપવામાં આવ્‍યું હતું. શ્રી રાઘેશ પી આર, ટીજીટી સોશિયલ સાયન્‍સે પણ તેમના યાદગાર અનુભવો શેર કર્યા હતા.

આ તકે આઉટગોઇંગ આચાર્યશ્રીએ નવ નિયુક્‍ત આચાર્ય કર્નલ શ્રેયશ એન મહેતાને સ્‍કૂલના નવા આચાર્ય તરીકેની પ્રતિષ્ઠિત નિમણૂક થવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. તેમણે તમામ કેડેટ્‍સ અને સ્‍ટાફને તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્‍છાઓ પાઠવી હતી અને દરેકને સ્‍કૂલનો ધ્‍વજ ઊંચો રાખવા વિનંતી કરી હતી.

કર્નલ શ્રેયશ એન મહેતાએ તેમના વક્‍તવ્‍યમાં આવી પ્રતિષ્ઠિત સંસ્‍થાના ૨૦ માં આચાર્ય તરીકે કાર્યભાર સંભાળવા બદલ આભાર અને ગર્વની લાગણી વ્‍યક્‍ત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓના વિકાસમાં સમયની પાબંદી, શિસ્‍ત અને નૈતિક મૂલ્‍યોના મહત્‍વ પર ભાર મૂક્‍યો હતો અને સ્‍કૂલના વધુ વિકાસ માટે સાથે મળીને કામ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

અંતે આચાર્યશ્રીના બેટનની સોંપણી સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. 

(1:26 pm IST)