Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

મોરબીમાં સીરામીક ઉદ્યોગ કારો ઉપર હુમલા મામલે ચેમ્‍બર દ્વારા મુખ્‍યમંત્રીને રજુઆત

મોરબી તા ૧૩ : મોરબી સિરામિક મેનુફેક્‍ચરર્સ એસોસિએશન દ્વારા તા. ૯-૦૬-૨૦૨૨ ના રોજ મળેલ ફરિયાદ મુજબ મોરબી જિલ્લામાં અસામાજિક તત્‍વો દ્વારા વારંવાર હુમલાઓ કરવામાં આવે છે અને ધાક ધમકી આપી ઉધોગના કર્મચારી પાસેથી ખંડણી ઉઘરાવવામાં આવે છે. આવો એક બનાવ તા. ૮-૦૬-૨૦૨૨ ના રોજ મોરબીના રફાળેશ્વર પાસે બાયો હતો. જેમાં સીરામીક ઉધોગકારો ઉપર સામાન્‍ય બાબતે હીંચકારો હુમલો થયો હતો અને લૂંટ કરવામાં આવી હતી.

વધુમાં જણાવ્‍યું હતું કે, ગુજરાત રાજ્‍ય હંમેશા એક શાંતિ-યિ અને ઉદ્યોગો માટે સાનુકૂળ રાજ્‍ય રહ્યું છે. અસામાજિક તત્‍વો દ્વારા આવા કિસ્‍સાઓમાં વધારો થતો જાય છે જે આપણા રાજ્‍ય માટે એક ખુબ જ ગંભીર બાબત છે. આવા કિસ્‍સાઓને કારણે ઉદ્યોગકારોમાં તેમજ કામદારોમાં અસુરક્ષા અને ભયની લાગણી વ્‍યાપી અને તેઓનો મનોબળ ઘટયો છે અને તેમના રોજિંદા ઉત્‍પાદન કાર્યમાં વિક્ષેપ પડયો છે. આ બાબતને ગંભીરતાથી લઇ તાત્‍કાલિક ધોરણે આવા અસામાજિક તત્‍વો વિરુદ્ધ પગલાં લેવાની તેમજ ઉદ્યોગકારો અને તેમના એકમોમાં કામ કરતા કર્મચારીને કાયદાકીય રક્ષણ આપી તેમની સામે દાખલ કરેલ ખોટા એટ્રોસિટીની ફરિયાદો પરત ખેંચવાની તાતી જરૂરિયાત છે અને આ બાબતે યોગ્‍ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

(1:10 pm IST)