Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ગોંડલનાં ઉમરાળી ગામે ખેડૂત દ્વારા વિજળીની ખેતી : ૧૨ વિઘામાં સોલાર પ્‍લાન્‍ટ ઉભો કરાયો

મહિનામાં ૩.૬૦ લાખ યુનિટ વિજળીનું ઉત્‍પાદન

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧૩: વીજળી વગર પરેશાન થતા ખેડૂતો સમસ્‍યા તો અનેકવાર સાંભળી હશે પરંતુ ઉમરાડી ગામના સીમ વિસ્‍તારમાં વીજળીની ખેતી કરવામાં આવી રહી છે..બાર વિઘા જમીન માં વિશાળ સોલાર પ્‍લાન્‍ટ ઉભો કરાયો છે. બે મેગાવોટનો આ સોલાર પ્‍લાન્‍ટ છે. સૂર્યમાંથી વીજળી ઉત્‍પન્ન કરાય છે જેને નજીકના પીજીવીસીએલના સબ સ્‍ટેશન પર મોકલાય છે. આ સોલાર પ્‍લાન્‍ટ માં દરરોજની ૧૨૦૦ યુનિટ વીજળી જનરેટ થાય છે. એવરેજ એક મહિનામાં ત્રણ લાખ સાઈઠ હજાર યુનિટ વીજળી ઉત્‍પન્ન કરવામાં આવે છે. ઉત્‍પન્ન થતી વીજળી માંથી અધધ ફાયદો થાય છે. દર મહિને આશરે ૧૫ લાખ રૂપિયાનો ફાયદો થતો હોવાની વાત આ પ્‍લાન્‍ટ સ્‍થાપનાર ખેતરના માલિક દિલીપભાઈ મારકણા અને કર્મચારી વિશાલ વઘાસિયા કરી રહ્યા છે. વર્ષ દરમિયાન સવા કરોડથી વધુ રૂપિયાનો ફાયદો આ વીજળી ઉત્‍પન્ન કરી કરવામાં આવે છે. ઉત્‍પન્ન થતી વીજળી અનેક ગામોમાં પૂરી પાડી શકાય એટલા યુનિટ જનરેટ થાય છે.

ઉમરાડી ગામમાં આ પ્‍લાન્‍ટ થોડા સમય પહેલા રૂ. દશ કરોડ નાં ખર્ચે સ્‍થપાયો હતો. જેમાં ૩૬૦ કરતાં પણ વધુ સોલાર પેનલ લાગેલી છે. બે એન્‍જિનિયર સહિત પાંચ લોકોનો સ્‍ટાફ કામ કરતો હોય છે. સામાન્‍ય રીતે આ પ્‍લાન્‍ટ મોટો હોવા છતાં નહિવત લોકો પર જ ચાલતો હોય છે. આ પ્‍લાન્‍ટમાં વીજળીનું સારું ઉત્‍પાદન મળી રહે એટલા માટે દર ત્રણ દિવસે સોલાર પેનલો ધોવામાં આવતી હોય છે. રોકાણકારને બિલકુલ સમય આપવો પડતો નથી. ઉપરાંત વેરેંટેજ પણ નહિવત હોય છે. અલગ અલગ બે ટ્રાન્‍સફોર્મર લગાવવામાં આવ્‍યા છે, ઉત્‍પન્ન થતી વીજળી નજીકના સબસ્‍ટેશનમાં પહોંચાડવામાં આવે છે.

હાલમાં સરકાર દ્વારા સોલાર પ્‍લાન્‍ટ માટે સબસીડી બંધ કરી દેવામાં આવી છે તેથી અનેક લોકો પ્‍લાન્‍ટ સ્‍થાપી શક્‍યા નથી જો સબસિડીનો લાભ મળે તો મોટી સંખ્‍યામાં આવા પ્‍લાન્‍ટ લોકો સ્‍થાપી શકે છે જેથી ઘટતી વીજળીની સમસ્‍યા પણ નિવારી શકાય છે. આ ઉપરાંત ખેડૂતોને જે કોલસાની ખામીના કારણે જે વીજ સમસ્‍યાનો સામનો કરવો પડે છે . એમાંથી પણ મુક્‍તિ મળી શકે તેમ છે.સરકાર આ બાબતે જો યોગ્‍ય ધ્‍યાન આપે તો સરકાર અને સામાન્‍ય લોકો બંનેને ફાયદો થઈ શકે છે.

એક તરફ સરકાર કોલસો બાળી વીજળી ઉત્‍પન્ન કરે છે લાખો રૂપિયાનું આંધણ કરી વીજળીનું ઉત્‍પાદન સરકાર મેળવે છે તો બીજી તરફ કેટલાક રોકાણકારો પોતે રૂપિયા રોકીને વીજળી ઉત્‍પાદન કરવા તૈયાર છે. આવા સમયે જ સરકારે સોલર પ્‍લાન્‍ટ માટેની સબસીડી બંધ કરી દીધી છે. રોકાણકારોનુ કહેવું છે કે જો સરકાર સબસીડી ચાલુ કરે તો બધાને ફાયદો થઈ શકે તેમ છે. 

(10:07 am IST)