Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વઢવાણ-લખતર રોડ ઉપર ઈકો કારના ચાલકને બેભાન કરી બે અજાણ્યા શખ્સો લૂંટ ચલાવી ફરાર

2 શખ્સોએ ધંધુકાથી વઢવાણ જવા માટે ઈકો કાર ભાડે કરી હતી : દેદાદરા ગામ નજીક કાર ચાલક બેભાન મળ્યા

સરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-લખતર રોડ ઉપર ઈકો કારના ચાલકને બેભાન કરીને બે અજાણ્યા શખ્સો લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે.હાલ વઢવાણ પોલીસે ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ધંધુકાની આઝાદનગર સોસાયટીમાં રહેતા ત્રિભોવનભાઈ નાગરભાઈ ગોહીલ ભાડે ટેકસી ચલાવે છે. તા. 11ને શનિવારે સવારે તેઓ બસ સ્ટેશન બહાર ટેકસી સ્ટેન્ડે ઉભા હતા. આ દરમિયાન બસ સ્ટેશનથી 2 અજાણ્યા શખ્સોએ આવી વઢવાણ માટે ટેકસી ભાડે કરી હતી.

જે બાદ ત્રિભોવનભાઈ ઈકો કાર લઈને વઢવાણ આવવા સવારના 10 કલાકે નીકળ્યા હતા. બપોર થવા છતાં ત્રિભોવનભાઈનો સંપર્ક ન થતા તેમના પરિવારના સભ્ય હિતેશભાઈ ગોહીલે ધંધુકા પોલીસને આ અંગે જાણ પણ કરી હતી.

આ દરમિયાન રવિવારે સવારે 8:30 કલાકના અરસામાં વઢવાણ-લખતર રોડ પર દેદાદરા ગામ નજીક રામ પેપર મિલ પાસે ત્રિભોવનભાઈ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. આથી તેઓને સારવાર માટે તુરંત 108 દ્વારા સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા છે.

પેસેન્જરના વેશમાં આવેલા બે ગઠીયાઓ ત્રિભોવનભાઈનો મોબાઈલ, રૂપિયા 15 હજાર રોકડા, સોનાની વીંટી અને ઈકો કાર લઈને ફરાર થઈ ગયા છે. આ બનાવની જાણ થતા વઢવાણ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ચાલકને બેભાન કરી કારની લૂંટ ચલાવનાર આરોપીઓનું પગેરૂ મેળવવા તપાસ હાથ ધરી હતી.

ધંધુકાથી ઈકો કાર લઈને વઢવાણ તરફ આવતા સમયે રસ્તામાં જ ત્રિભોવનભાઈને અજાણ્યા 2 પેસેન્જરોની કરતૂત વિશે અંદાજ આવી ગયો હોય તેમ લાગી રહ્યુ હતું. આથી તેઓએ ધંધુકાના ટેકસી ડ્રાઈવરના ચાલતા વોટસએપ ગ્રુપમાં લાઈવ લોકેશન લીંબડી-વઢવાણ રોડ પરથી મૂકયુ હતુ. જે બાદ તેમનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો.

(10:21 pm IST)