Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ઘાયલો પૈકી વાંકાનેર જોધપરના રઝાકે કહ્યું-હું તો હજુ કાલે જ પ્લમ્બીંગ કામે આવ્યો હતોઃ વિજય અને મનોજ રસોડામાં હતાં: કહ્યું-ઓચીંતો ધડાકો થયો ને બધા ભાગ્યા

પીપરડીના પાટીયે દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં બોઇલર ફાટતાં જે દૂર્ઘટના સર્જાઇ તેમાં બિહારના ચાર મજૂરોના મોત થયા છે. જ્યારે બારનો ઇજા સાથે બચાવ થયો હતો. આ તમામને કુવાડવા અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. જેમાંથી ત્રણને દાખલ કરાયા છે અને બાકીનાને પ્રાથમિક સારવાર અપાઇ છે. ઘાયલ પૈકીના વાંકાનેર જોધપરના રઝાક અમીભાઇ સેરશીયા (ઉ.વ.૩૦-પ્રથમ તસ્વીર)એ જણાવ્યું હતું કે હું પ્લમ્બીંગ કામ કરુ છું. હું તો હજુ ગઇકાલે સોમવારે જ આ ફેકટરીમાં કામે આવ્યો હતો અને મારું કામ કરતો હતો ત્યારે અચાનક ધડાકો થયો હતો અને નાસભાગ થઇ ગઇ હતી. જેમાં હું પડી જતાં ઇજાઓ થઇ હતી. ગરમ સિલિકોન ચારેતરફ ઉડતાં ઘણા દાઝી ગયા હતાં. જ્યારે અન્ય મજૂર બિહારના મહેશ્વર શર્માએ કહ્યું હતું કે અમે બે મજૂરો તો ગયા ગુરૂવારે જ કામે આવ્યા છીએ. અચાનક જ ધડાકો થયો હતો અને બધા ભાગ્યા હતાં. બોઇલરમાં લાકડા નાંખી ભઠ્ઠી ચાલુ રાખવાની હોય છે. ઉપર મોટી ટાંકીમાં કેમિકલ હોય છે. અચાનક બોઇલર ફાટ્યું હતું. અન્ય મજૂર વિજયકુમાર મહંતોએ કહ્યું હતું કે હું અને મનોજ મહંતો રસોડામાં રસોઇ બનાવી રહ્યા હતાં એ વખતે ધડાકો થયો હતો. વિજયકુમાર તેના જમાઇ શ્રવણ સાથે અહિ મજૂરીએ આવ્યા છે. તેણે દૂર્ઘટનામાં જમાઇ ગુમાવતાં તે શોકમાં ગરક થઇ ગયા હતાં. બોઇલર કઇ રીતે ફાટ્યું? તેની કોઇ મજૂરોને ખબર પડી નથી. પોલીસ એફએસએસએલની મદદથી તપાસ કરી રહી છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(11:49 am IST)