Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ગોંડલ વેરહાઉસમાં આગની ઘટનામાં તપાસની ઉગ્ર માંગ

કોંગી સભ્ય દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજીઃ ગોડાઉનમાં સરકાર દ્વારા ટેકાના ભાવથી ખરીદાયેલ ૩૬ કરોડથી વધુની કિંમતના મગફળી જથ્થાને થયેલું નુકસાન

ગોંડલ,તા. ૧૩, ગોંડલના વેરહાઉસમાં આગ ફાટી નીકળવાના અને આ આગમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી રૂ.૩૬ કરોડથી વધુની કિંમતનો મગફળીનો જથ્થો નાશ પામવાના ચકચારભર્યા પ્રકરણમાં કોંગ્રેસ પક્ષના જૂનાગઢના વિસાવદર બેઠકના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ન્યાયિક તપાસની દાદ માંગતી એક મહત્વની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગોંડલના વેરહાઉસ(ગોડાઉન)માં અચાનક બહુ ભીષણ આગ ફાટી નીકળવાના કારણે મગફળીનો મોટો જથ્થો નાશ પામ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા કરાયેલી આ અરજીની સુનાવણી આગામી દિવસોમાં નીકળે તેવી શકયતા છે. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા કરાયેલી રિટ અરજીમાં એવો ગંભીર આક્ષેપ પણ કર્યો છે કે, સરકારના સત્તાવાળાઓ દ્વારા આ સમગ્ર કેસમાં સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપાઇ છે તે એકમાત્ર ફોર્માલિટી છે, હકીકતમાં સાચા ગુનેગારોને છાવરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તેમણે એવી માંગ પણ કરી છે કે, આગની આ સમગ્ર ઘટના ખૂબ જ ગંભીર છે અને તેથી તેમાં હાઇકોર્ટ જજના વડપણ હેઠળ ન્યાયિક તપાસ હાથ ધરાવી જોઇએ. તો જ આખાય પ્રકરણમાં સત્ય બહાર આવી શકશે. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા એવો પણ આક્ષેપ કરાયો હતો કે, સીઆઇડી ક્રાઇમ દ્વારા આ કેસમાં સાચી દિશામાં તપાસ હાથ ધરાઇ રહી નથી. અગાઉ સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ આ પ્રકરણમાં વેલ્ડર્સની ધરપકડ બતાવી હતી કે, જેઓ ગોડાઉનમાં રીપેરીંગ કામ અને વેલ્ડીંગ કરી રહ્યા હતા પરંતુ આગ લાગવા માટે જવાબદાર માથાઓ હજુ પોલીસના સકંજાથી દૂર છટકી રહ્યા છે. આ ઘટના સંદર્ભે અગાઉ તેમણે ગુજરાતના રાજયપાલ ઓમપ્રકાશ કોહલીને એક આવેદનપત્ર પણ સુપ્રત કર્યું હતું અને મગફળીની ખરીદીમાં સંકળાયેલી એજન્સીઓ અને ગોડાઉનના માલિક વિરૂધ્ધ તપાસ કરવા માંગણી પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગોંડલના ઉમવાડા રોડ પર આવેલ રામરાજય જીનીંગના વેરહાઉસમાં રાજય સરકાર દ્વારા ટેકાના ભાવથી ખરીદાયેલ અંદાજે રૂ.૨૮ કરોડની મગફળીના જથ્થામાં ગયા મહિને ભયંકર આગ ફાટી નીકળી હતી, જેમાં કરોડો રૂપિયાની મગફળીના જથ્થા સહિત મોટાપાયે નુકસાન નોંધાયું હતું. આગમાં બળીને ખાખ થઇ ગયેલા ૭૫ હજાર સ્કવેર ફુટના વેરહાઉસનું પાંચ વર્ષ પહેલા રૂ.ત્રણ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું. ગોંડલ આગના મામલામાં આક્ષેપબાજીનો દોર ચાલી રહ્યો છે.

(10:17 pm IST)