Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ઉછીના - વ્યાજે લીધેલા રૂપિયા પરત કરવા સાયલાના રફીક પીંજારાએ દારૂનો ધંધો શરૂ કર્યો

વઢવાણ તા. ૧૩: સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપકકુમાર મેઘાણી દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી દેશી વિદેશી દારૂના કેસો કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી. ડી. ચુડાસમા, પી.એસ.આઇ. બી. એસ. સોલંકી તથા સ્ટાફના હે.કો. હરદેવસિંહ, બળવંતસિંહ, રાવીરાજસિંહ, લખમણભાઇ, ઇન્દ્રસિંહ, અમારકુમાર, યોગેશ પટેલ, સહિતની ટીમ દ્વારા પો. કો. અમારકુમાર ગઢવી મારફતે મળેલ બાતમી આધારે સાયલા મૂલી બાયપાસ રોડ ઉપર ચેકીંગ દરમિયાન ''આરોપી રફીક સુરેન્દ્રનગરને વિદેશી દારૂ બોટલ નંગ ૧૦ કિંમત રૂ. ૪,૦૦૦/- સેમસંગ મોબાઇલ, મોટર સાયકલ જીજે-૧૩એઇ ૯૩૧૯ સહિત કુલ રૂ. ૩૪,પ૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી વિરૂદ્ધમાં સાયલા પોલીસ સ્ટેશનના પો. કો. અમારકુમાર કનુભાઇ દ્વારા સરકાર તરફે ફરીયાદી થઇ, પ્રહોબિશન એકટ મુજબ ગુન્હો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

રફીક યાકુબભાઇ વાડોડીયા જાતે પિંજારા મુસલમાનની લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી. ડી. ચુડાસમા તથા સ્ટાફના હે. કો. હરદેવસિંહ ઇન્દ્રસિંહ, લખમણભાઇ, મયુરસિંહ, સહિતની ટીમ દ્વારા આગવી ઢબે પૂછપરછ હાથ ધરવામાં આવતા પકડાયેલ આરોપીએ પોતાનાં લગ્ન તાજેતરમાં થયેલા હોઇ તેમજ અગાઉ હોટલ ચાલુ કરેલ તેમાં ખોટ જતા ઉછીના તથા વ્યાજના રૂપિયા લીધેલ હોઇ, જે ખર્ચને પહોંચી વળવા ઇંગ્લીશ દારૂના ધંધાના રવાડે ચડેલાની કબુલાત કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપીએ આ વિદેશી દારૂ મૂળી ગામના ગોપાલસિંહ પાસેથી લાવેલાની પણ કબુલાત કરેલ છે.

પકડાયેલ આરોપી રફીક પિંજારા બીજા કોઇ ગુન્હામાં સંડોવાયેલ છે કેમ? ખરેખર આ વિદેશી દારૂ કયાંથી મેળવેલ છે? કોઇને ભૂતકાળમાં આ વિદેશી દારૂ વહેંચેલ છે કે કેમ? વિગેરે મુદાઓ સબબ પૂછપરછ હાથ ધરી, પોલીસ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરેલ છે.

(4:38 pm IST)