Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

મહાશિવરાત્રીનો મહિમા : શિવ પુરાણમાં વરતના નિયમો દર્શાવીને ભકતોની શ્રદ્ધા દૃઢ કરાઇ

જુનાગઢ : સૃષ્ટિ સંહારના અધિષ્ઠાતા દેવ, પ્રલયકારી દેવ એટલે શિવ શિવજીને મહા માસની અંધારી ચૌદશ રાત્રિ અતિ પ્રિય છે તેથી તેને મહાશિવરાત્રિ કહેવાય છે.

મહા વદ ચૌદશને દિવસે આવતી મહાશિવરાત્રિ માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે. સૃષ્ટિને શિવત્વનો સંદેશ સંભળાવે છે. મહાશિવરાત્રિએ દ્વદશ જયોતિર્લિંગની સ્વયંભૂ ઉત્પતિ થઇ હતી. વળી દ્વાપર યુગનો પ્રારંભ પણ આ જ દિવસે થયો હતો તેથી આ દિવસનો ઘણો મહિમા છે.

આ દિવસની એક સુંદર પૌરાણિક કથા તો આપણે જાણીએ જ છીએ. ગુરૂયુહ નામે એક પારધિ શિકાર કરી ગુજરાન ચલાવતો. એક વખત તે બિલિના વૃક્ષ પર ચડી મોડી રાત સુધી શિકારની પ્રતિક્ષા કરતો રહ્રો. એ રાત્રિ મહાશિવરાત્રિની હતી. રાત્રિ વીતવા લાગી ત્યાંજ એક મૃગલી પાણી પીવા આવી તેને જોઇ પારધિએ તેને હણવા ધનુષ્ય તૈયાર કર્યું, પરંતુ હરણીની આજીજી સાંભળી, તેના વચન પર વિશ્વાસ રાખી પારધિ હરણીને તેના બાળકોને મળવા જવાની રજા આપે છે. હરણીની રાહ જોતો શિકારી આખી રાત બિલિના વૃક્ષ પર બેસી રહે છે અને બિલિપત્ર તોડી તોડી નીચે નાખે છે. તે બિલ્વપત્રો વૃક્ષ નીચેના શિવલિંગ પર પડયા કરે છે, આમ રાતભરનું જાગરણ અને બિલિપત્રથી શિવલિંગનું અનાયાસે જ પૂજન થઇ જાય છે. પારધિનું ચિત્ત શુદ્ધ થાય છે. ત્યાંજ સવાર પડતા જ હરણીને આખા પરિવાર સાથે આવેલી જોઇ તેનું હૃદય દ્રવિત થઇ જાય છે હરણાઓનું વચન પાલન તેનું હૃદય પરિવર્તન કરે છે અને તેનામાં શિવત્વ પ્રગટ કરે છે.

આવી કથાઓના શ્રવણ સાથે આજે ભારતભરમાં મહાશિવરાત્રિના દિવસે બિલિપત્ર ચડાવીને તથા ઉપવાસ કરીને શિવ પૂજન કરવામાં આવે છે. આ દિવસે ઉપવાસ, શિવ પૂજન તથા જાગરણનું વિશેષ મહત્વ છે. શિવ પુરાણમાં આ વ્રતના નિયમો દર્શાવીને ભકતોની શ્રદ્ધાને દૃઢ કરવામાં આવી છે.

શિવજીએ બીજના ચંદ્રને મસ્તક પર ધારણ કર્યો છે. બીજાના ગુણોને આ રીતે માથે ચડાવવાની હિંમત જ્ઞાનીને મહાનતા આર્પે છે. શિવમંદિરમાં પ્રવેશતી વખતે પહેલા નંદી અને કાચબાને નમન કરીએ છીએ. નંદી શિવને વહન કરે છે. તેમ આપણે પણ સાચા જ્ઞાનના વાહક બનીએ. કાચબો સંયમનું પ્રતિક છે. શિવ પાસે જવું હોય તો જીવન સંયમી હોવું જોઇએ. ઇન્દ્રયોના ગુલામ હોય તે શિવને પામી શકે નહીં. ભગવાન શિવજી પર રહેલી જલધારી અને તેમાંથી ટપકતું ટીપું ટીપું પાણી સાતત્ય સૂચવે છે. ભગવાન પરનો આપણો ભકિત અભિષેક સતત ચાલુ રહેવો જોઇએ. શિવમંદિરમાં ગૌમુખને ન ઓળંગવાનું એક રહસ્ય છે. આપણે ગૌમુખનું ઉલ્લંઘન કરતા નથી તેને ઉલ્લંઘવાથી માણસ શકિતહીન બની જાય તેથી શિવમંદિરમાં આપણે સંપૂર્ણ પ્રદક્ષિણા કરતા નથી.

સંકલન

પ્રદીપ ખીમાણી

સરસ્વતી સ્કૂલ-જુનાગઢ

મો. ૯૪ર૮૩ ૭૮૭૭૭

(9:45 am IST)