Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

વન્યપ્રાણી સપ્તાહ ઉજવણીનું સમાપનઃ ગાંધીનગરથી વીડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી જોડાયા હતા

  જૂનાગઢઃ વન વિભાગ દ્વારા  વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં  સમાપન નોબલ ગ્રૃપ ઓફ ઇન્સ્ટીટ્યુશન જૂનાગઢ ખાતે યોજાયું હતું.

આ કાર્યક્રમમાં ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ વિડીયો કોન્ફરન્સની માધ્યમથી જોડાયા હતા. અને ગુજરાતના વૈવિધ્ય સભર વન્યજીવ વારસા પર ઉદ્દ્બોદન આપ્યું હતુ. વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી સમાપનમાં ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોષી, ડિસ્ટ્રીકટ સેશન્સ જજ રિઝવાના બુખારી, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સુશીલ કુમાર, જય વસાવડા, નોબલ ગ્રૃપ ઓફ ઇન્સ્ટીટ્યુશનના ટ્રસ્ટી નિલેશભાઇ ધુલેશિયા, ગીરીશભાઇ કોટેચા, વી.પી. ત્રિવેદી પાર્થ કોટેચા તથા જુદા જુદા એનજીઓ, ડોકટર્સ રિસર્ચ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

 આ તકે ગિરનાર પર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ શો જન જાગૃતિ માટે પ્રેઝેન્ટેશન અપાયું હતું. આ તકે જય વસાવડાએ માનવ વન્યપ્રાણી સહઅસ્તીત્વ પર વિશેષ ભાર મૂકી વન વિભાગના વન્યપ્રાણી સંરક્ષણના પ્રયાસોને બિરદાવ્યા હતા.

 કોલેજ કેમ્પસમાં વન્યપ્રાણસ શાર્ક સિંહ, દીપડાની ડીસ્પ્લે તથા સિંહની ટંગોળી બનાવી હતી. વન વિભાય દ્વારા વન્યપ્રાણી માહિતી કેન્દ્ર પરથી પેમ્પલેટ, સ્ટીકર અને પુસ્તકોનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

 આ કાર્યક્રમને સફળ બનાવાવ માટે પરિક્ષેત્ર વન અધિકારીશ્રી અરવિંદ ભાલીયા, ડુંગર દક્ષિણ પરીક્ષેત્ર તથા પરીક્ષેત્ર વન અધિકારીશ્રી જગદીશ મપાત્રા, ડુંગર ઉપર પરીક્ષેત્રની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

 વન્યપ્રાણી સપ્તાહમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાંથી ક્રમ ૩૦૦૦ થી વધુ લોકોએ ઉજવણીમાં ભાગ લીધેલ હતો. તે ઉપરાંત જૂનાગઢ વન વિભાગ દ્વારા જુદા જુદા માધ્યમો જેવા કે, રેડીયો, ફેમએમ, પોસ્ટકાર્ડ, બેનર, ટોપી, સાયકલ રેલી સહિત જૂનાગઢ જિલ્લામાં વન્યપ્રાણી સંરક્ષણ માટે જનજાગૃતિ મહાઅભિયાન હાથ ધર્યું હતું.

(12:16 pm IST)