Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ચોમાસાની વિદાયમાં વિલંબ : રાજયમાં વધુ એક વરસાદી રાઉન્ડ આવે તેવી સંભાવના

આ મહિનામાં ઉપરાઉપરી સિસ્ટમ્સ બની રહી છે

(મહંમદભાઇ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧ર : નૈઋત્યના ચોમાસુ સમય પત્રક મુજબ આ વેળા ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ પણ ફરી વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના હવે આવનારા દિવસોમાં બળવતર બની ચૂકી છે.

થોડા દિ' પૂર્વે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલ સિસ્ટમ્સ ગઇકાલે જ ડીપ્રેશનમાં પરિવર્તીત પામીને આજે આંધ્રપ્રદેશના તટીય વિસ્તારો પર ત્રાટકી પવન સાથે ભારે વરસાદ વરસાવશે. આ ડીપ્રેશન ક્રમશઃ ઉતર-પશ્ચિમ તરફ આગળ ધપી દેશના અન્ય રાજયોને આવરી લેશે.

ભૂતકાળમાં આફટર મોન્સુન વિડ્રો લાઇન રચાયા બાદ આવી માવઠારૂપી વરસાદી સંભાવના ગુજરાતમાં જોવા મળી નથી. આ વેળા દેશમાં ચોમાસાની મોડી શરૂઆત બાદ છેક હજુ ઓકટોબરમાં પણ રાજયમાં વરસાદી સંભાવનાનું ચિત્ર આશ્ચર્ય ઉપજાવે છે.

ગુજરાતને સ્પર્શતા અરબી સમુદ્રમાં પણ સાયકલોન સિસ્ટમ્સ આકાર લીધો છે તો બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ્સ આકાર લઇ રહી છે. હાલની ડીપ્રેશન સિસ્ટમ્સના લેન્ડફોલ બાદ પાછળ જ વધુ એક આવી જ સિસ્ટમ્સ ડીપ્રેશન બનવા તૈયાર થઇ રહી છે જે પણ આ મુજબ જ રૂટ પકડયે ઓકટોબર માસ પૂરો થવા સુધી વરસાદી સંભાવના સતત ઉજાગર થતી રહેવાની છે. અન્ય રાજયોની સરખામણીએ આ સિસ્ટમોથી આવનાર દિવસોમાં પવન સાથે ભારે વરસાદ ગુજરાતમાં ન વરસે પરંતુ મધયમ વરસાદી માહોલ તો રચાશે જ.

(11:51 am IST)