Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

પોરબંદરના ભાયાભાઇ ઓડેદરાનો અનોખો સેવાયજ્ઞ : પાગલો, મૂંગા પશુઓ, નિરાધારોની સેવા

પોરબંદર,તા.૧૨ : પોરબંદર છેલ્લા વીસ વર્ષ થી માનવ સેવાની જ્યોત રાખનાર સેવાના ભેખધારી  મૂક સેવક મહેર સમાજના શ્રેષ્ઠી ભાયાભાઇ ઓડેદરાનો અનોખો સેવાયજ્ઞ અન્ય લોકો માટે ઉદાહરણરૂપ છે.

મૂળ ટુકડા મિયાણી ગામના વતની હાલ કર્મભૂમિ નરસંગ ટેકરી વિસ્તારના ઁ સાંઇ મંદિર પાછળ રહેતા બહોળા પ્રમાણમાં ખેતી ધરાવતા કૃષિપુત્ર અને મકાન બાંધકામના કન્સ્ટ્રકટર તરીકેનો વ્યવસાય કરતા ભાયાભાઇની સાદગી,નિરાભી, માનપણું અને સાલસ, પરોપકારી નિરાલો સ્વભાવને કારણે લોકોમાં અદના સેવક તરીકે પ્રિય છે. પ્રાગજી ભગત પાગલ આશ્રમમાં તેઓ અવારનવાર જતા ત્યાંથી આ સેવાના બીજ રોપાયાં આ સેવા પ્રવૃતિનો યશ પોતાના ગુરૂ સ્વ. પ્રાગજીબાપા ભગને આપે છે. છેલ્લા દસ વર્ષથી એકલા કોઇ પાસેથી અનુદાન પણ લીધા વગર પોતાના ખર્ચે પોરબંદર વિસ્તારમાં સવાર અને સાંજે નિયમિત ગાયો, કુતરા પક્ષીઓ જેવા મૂંગા જાનવરો, પાગલો, વિધવા બહેનો અને નિરાધારા પરિવારની કન્યાઓ અને વૃધ્ધોની અવરિત સેવા કરી રહ્યા છે.

પાગલો માટે સવાર-સાંજ દરરોજ રોટલા -રોટલી, શાક, છાસ, સાથે પોતે જાતે જ જમાડે છે. અને પાગલોના ગંદા કપડાં બદલીને તેઓની વ્યકિતગત સંભાળ લે છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ગાયોને ઘાસચારો અને કૂતરોઓને રોટલાઓ ખવડાવે છે નિરાધાર વૃધ્ધોને સમયાંતરે હરિદ્વારથી પોતાના ખર્ચે યાત્રા કરાવે છે. વિધવા ગરીબ બહેનોને દર મહિને રાશનની કીટ તૈયાર કરીને વિતરણ કરે છે. ગરીબ ઘરની દિકરીઓને સોનાના મંગળસૂત્ર આપીને લગ્ન કરાવે છે. સેવા માટે એકપણ દિવસ જતો કરતા નથી. ઘણા દાતાઓ અનુદાન માટે જાહેરાત  કરે છે. પણ કોઇનું અનુદાન લેતા નથી પ્રતિ માસે તેઓ ત્રણલાખનો ખર્ચ કરે છે.

ભાયાભાઇના ધર્મપત્ની અને પુત્ર વિજય પિતાના સેવાના યજ્ઞમાં પૂરતો સહયોગ આપે છે. સેવાનું અજવાળું અનેક લોકો સુધી પહોંચાડનાર પોતાના સૌજન્ય શીલ દાન થી પ્રજ્જવલિત રાખનાર વ્યકિત્વને સલામ છે. તેઓનું જીવન સેવાને વરેલા સહુને માટે સદા ઝળહળતો પ્રેરણા બની રહેશે સમાજ શ્રેષ્ઠી નાગાભાઇ ચૌહાણ (સુખદેણ) તથા ડો. ઇશ્વરભાઇ ભરડા એ ભાયાભાઇની નિઃસ્વાર્થ માનવસેવાની પ્રવૃતિને બિરદાવી છે.

(11:28 am IST)