Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

મોરબીમાં મચ્છુ જળ હોનારતની વરસીએ ૨૧ સાયરનની સલામી બાદ મૌન રેલી યોજી દિવંગતોને શ્રધાંજલિ અપાઈ.

દર વર્ષની જેમ પરંપરાગત મૌન રેલી યોજાઈ સાંસદ, મંત્રી, પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા.

મોરબી :  ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ ના રોજ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ તૂટી પડતા જળ પ્રલય સર્જાયો હતો જે હોનારતમાં અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા હતા અને વ્યાપક માનવ ખુમારી થઇ હતી જે હોનારતના કાળમુખા દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી ત્યારે આજે દિવંગતોની યાદમાં ૨૧ સાયરનની સલામી બાદ મૌન રેલી યોજાઈ હતી

મોરબી નગરપાલિકા દ્વારા મચ્છુ હોનારતની વરસીના દિવસે બપોરે ૩ : ૧૫ કલાકે ૨૧ સાયરનની સલામી સાથે દિવંગતોની યાદમાં મૌન રેલી પ્રસ્થાન કરવામાં આવી હતી જે મૌન રેલીમાં મંત્રી બ્રિજેશભાઈ  મેરજા, સાંસદ મોહન કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા એસપી, તેમજ નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ જીલ્લા ભાજપ, કોંગ્રેસ આગેવાનો સહિતના જોડાયા હતા
મૌન રેલી મણી મંદિર ખાતે બનાવવામાં આવેલ સ્મૃતિ સ્તંભ ખાતે પહોંચી હતી જ્યાં તમામ લોકોએ મૃતાત્માઓને સ્મૃતિ વંદના કરી હતી અને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા જે પ્રસંગે મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે એ કાળમુખા દિવસને આજે પણ મોરબી ભૂલી શક્યું નથી અને આજે એ ઘટનાને ૪૩ વર્ષ વીત્યા છતાં દર વર્ષે મૌન રેલી યોજાય છે અને એ દિવસને યાદ કરી મોરબીવાસીઓ આજે પણ રડી પડે છે
જયારે સાંસદ મોહન કુંડારિયાએ એ દિવસને યાદ કરતા જણાવ્યું હતું કે તેઓ નવસારી હતા અને ઘટના વિશે માહિતી મળતા બાદમાં તેઓ મોરબી આવ્યા હતા તે દ્રશ્ય જોઇને તેઓ ભાંગી પડ્યા હતા અને મોરબી ફરી ક્યારેય બેઠું થઇ શકશે નહિ તેમ લાગતું હતું જોકે મોરબીવાસીઓ ની ખુમારીએ મોરબીને ફરી બેઠું કરી દીધું છે તેમ જણાવ્યું હતું જોકે એ દિવસને ક્યારેય ભુલાવી શકાશે નહિ તે પણ હકીકત છે.

(1:09 am IST)