Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

જામનગરના ડોકટર્સ દ્વારા હડતાળ સમેટી લેવાઇઃ નિર્ણય માત્ર મેડિકલ કોલેજ પૂરતો જ મર્યાદિત

હડતાલીયા તબીબોએ પણ ઇમરજન્સી અને કોવિડ સહિતની આરોગ્ય સેવાઓનો ફરીથી પ્રારંભ કર્યો : જો કે અમદાવાદમાં હડતાલ યથાવત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૨ : જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં બોન્ડેડ અને રેસિડેન્ટ તબીબોની હડતાલના લઈને સારવાર માટે આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જો કે આખરે જામનગરના ડોકટર્સ દ્વારા હડતાળ સમેટી લેવાઇની જાહેરાત કરી છે. જો કે આ નિર્ણય માત્ર જામનગર મેડિકલ કોલેજ પુરતો જ હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. અન્ય જિલ્લા અંગે દરેક જિલ્લા સ્વાયત રીતે નિર્ણય લેશે.જયારે જામનગરના એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન દ્વારા ઇન્ટરન તબીબોએ હડતાલમાંથી પાછા ફરવાનો આદેશ કરાતાં હડતાળિયા તબીબોએ પણ ઇમરજન્સી અને કોવિડ સહિતની આરોગ્ય સેવાઓનો ફરીથી પ્રારંભ કર્યો છે.

જામનગર સહિત રાજયની ૬ જેટલી મેડિકલ કોલેજમાં બોન્ડેડ અને રેસિડેન્ટ તબીબો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઇને રાજય સરકાર સમક્ષ આંદોલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે જુનિયર ડોકટરોનું આંદોલન નવમા દિવસમાં પ્રવેશ્યું છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી અને જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા આવે છે, પરંતુ જુનિયર તબીબોની હડતાલના કારણે સારવાર લેવા આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ અંગે સરકાર દ્વારા કોઇ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.

સાથે સાથે જે રીતે જુનિયર તબીબોની હડતાલના મામલે રાજય સરકાર પણ હરકતમાં આવી છે અને ગઈકાલે રાજય સરકાર સાથે જુનિયર તબીબોના ડેલિગેટ ની બેઠક બાદ કયાંક ને કયાંક રાજયસરકારનું જુનિયર ડોકટર્સની માંગણી પ્રત્યે સકારાત્મક વલણ જોવા મળતા આજથી જુનિયર ડોકટરો દ્વારા જામનગરમાં પણ ઈમરજન્સી અને કોવિડ સેવાઓ ફરીથી કાર્યરત કરી છે. જોકે જયાં સુધી રાજય સરકાર દ્વારા લેખિત માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તેમ જામનગર ખાતે જુનિયર ડોકટરો દ્વારા જણાવવામાં આવ્યું છે.

જો કે અમદાવાદમાં આજે દશમાં દિવસે હડતાલ યથાવત છે.

(1:13 pm IST)