Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ખંભાળીયામાં વધુ વિસ્તારોમાં દબાણો હટાવવા નોટીસોઃ બજારોમાં પણ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા સુચનાઃ ત્રણ દિ'ની મહેતલ

ખંભાળીયા તા. ૧ર :.. પાલિકા વિસ્તારમાં લાંબા સમય પછી ચીફ ઓફીસર કક્ષાના અધિકારી દ્વારા દબાણો હટાવવા કાર્યવાહી શરૂ થયેલી.

બે દિવસ અહીંના ચાર રસ્તાથી પોરબંદર રોડ પર દબાણો હટાવવા નોટીસો અપાઇ હતી. તે પછી ચીફ ઓફીસરશ્રી અતુલચંદ્ર સિંહાના માર્ગદર્શન હેઠળ બાંધકામ વિભાગના ઇજનેરશ્રી નંદાણીયા સલીમભાઇ તથા કોટેચાભાઇ દ્વારા નગર ગેઇટ, જોધપુર ગેઇટ, સ્ટેશન રોડ, નવાપરા તથા જી. વી. જે. હાઇસ્કુલ તથા જડેશ્વર રોડ, સલાયા રોડ પરના આસામીઓને પણ નોટીસો આપવાનો દોર શરૂ કર્યો છે.

પાલિકા ચીફ ઓફીસરશ્રી અતુલચંદ્ર સિંહાએ જણાવેલ કે પાલિકા વિસ્તારમાં આવેલ તમામ રોડ-રસ્તા ફુટપાથો પર જયાં જયાં દબાણો હશે તે દૂર કરવામાં આવશે. સૌ પ્રથમ નોટીસો આપવામાં આવશે તે પછી જે તે આસામીના ખર્ચે દુર કરાશે.

મુખ્ય બજારમાં આવેલી દુકાનોમાં આગળના ભાગે સરકારી જમીનમાં બે-ત્રણ ફુટ જેટલું દબાણ કરીને દુકાનો લાંબી કરવા કાર્યવાહી થતાં આ બાબતે જાગૃત નાગરીકોની ફરીયાદો ઉપર બાંધકામ ઇજનેરશ્રી નંદાણીયાને સ્થળ પર રૂબરૂ ચેકીંગ માટે મોકલીને સ્થળ પર રૂબરૂ ચેકીંગ માટે મોકલીને દુકાનોનું આગળનું બાંધકામ વગર મંજૂરીનું હોય ત્રણ દિવસમાં તોડી પાડવું અન્યથા પાલિકા આસામીના ખર્ચે તોડશે તેવો હુકમ કર્યો હતો તથા મિલકતના કાગળો તથા સીટી સર્વે નોંધ પ્રોપર્ટી કાર્ડ સાથે કચેરીમાં બોલાવ્યા છે.

વગર મંજૂરીએ ચાલતા બાંધકામો પ્રત્યે પાલિકા તંત્રની લાલ આંખ થતાં દબાણ કર્તાઓમાં ફફડાટ વ્યાપેલો છે. તો સામાન્ય પ્રજામાં સારી છાપ પડી છે.

રાણા પ્રતાપનું સ્ટેચ્યુ મુકવા આયોજન

દ્વારકા જતાં રસ્તાની ખંભાળીયામાં પ્રવેશ કરતા રસ્તા પર બન્ને રસ્તાની વચ્ચે સ્ટેચ્યુ મહારણા પ્રતાપ તથા તેના ચેતક ઘોડા સાથેનું મુકવા પાલિકા દ્વારા આયોજન કરાયું છે તથા થોડા સમયમાં આ પ્રતિમાનું ઉદઘાટન પણ કરવામાં આવશે.

રાજસ્થાનના મહાન વીર કે જેની ગાથા  સમગ્ર ભારતમાં પ્રસિધ્ધ છે તે રાણાપ્રતાપની આ ભવ્ય પ્રતિમા રાજસ્થાનમાં તૈયાર કરાવીને તેને ઉંચી જગ્યા પર મૂકીને રૂ. ૧૭ લાખના ખર્ચે આ કાર્ય સંપન્ન થયું છે. તથા ગામમાં પ્રવેશતા જ લોકોનું ધ્યાન આકર્ષિત થાય તેવી સુંદર પ્રતિમા થોડા જ સમયમાં ખંભાળીયામાં આકર્ષણનું કેન્દ્ર બનશે. 

(1:12 pm IST)