Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

જામનગરમાં એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા ગણપતિ મંડળના સંચાલકો સાથે બેઠક

માનવ જીંદગી અને પર્યાવરણ બચાવવા ઈકોફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના જરૂરી અને સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ઉત્સવની ઉજવણી કરીએ – જીતુભાઈ લાલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૨ : જામનગર શહેરમાં ધાર્મિક તેમજ અન્ય સેવાકીય કાર્યો સાથે જોડાયેલી સંસ્થા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા આગામી મહિનામાં ઉજવવામાં આવનારા ગણપતિ મહોત્સવ દરમ્યાન જામનગર શહેરના તમામ ગણપતિ મંડળો પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ભાગીદાર બને અને પી.ઓ.પી.ની મૂર્તિના બદલે ઈકોફેન્ડલી ગણપતિની મૂર્તિનું સ્થાપન કરે અને હાલ જે વૈશ્વીક કોરોના મહામારીથી સાવચેત રહી સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ઉત્સવ ઉજવવાના હેતુથી એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં જામનગર શહેરના મોટાભાગના ગણપતિ મંડળના સંચાલકો ઉપસ્થિત રહયા હતા.

શ્રી એચ. જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના નેજા હેઠળ મંગળવારે રાત્રે ૮–૦૦ વાગ્યે શ્રી જામનગર લોહાણા મહાજનવાડી, પંચેશ્વરટાવર ખાતે જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ગપણતિ મહોત્સવની ઉજવણી સાથે જોડાયેલા ગણપતિ મંડળના સંચાલકોની એક બેઠક યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં જુદા જુદા ગપણતિ મહોત્સવના સંચાલકો, કાર્યકરો ઉપસ્થિત રહયા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્યેશ જામનગર શહેમાં પર્યાવરણ માટેની જાગૃતિમાં જામનગર શહેરના તમામ ગણપતિ મંડળના સંચાલકો હિસ્સેદાર બને અને આ વખતે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ગણપતિ ઉત્સવને એક મહિનાનો સમય બાકી છે ત્યારે પહેલાથી જ પીઓપીના ગણપતિની મૂર્તિનું સ્થાપના કરવાના બદલે માટીમાંથી બનાવેલ અથવા ઈકોફેન્ડલી ગણપતિની મૂર્તિઓનું સ્થાપન કરી શકે તેમાટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને તમામના મંતવ્યો મેળવવામાં આવ્યા હતા.

શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જીતુભાઈ લાલે જણાવ્યા હતુ કે છેલ્લા ચાર વર્ષથી ટ્રસ્ટ દ્વારા ઈકોફેન્ડલી ગણપતિ મૂર્તિના સ્થાપન માટે પ્રયાસો કરવામાં આવી રહયા છે જેમાં ૭૦% પ્રગતિ મળેલ છે આ વર્ષે સરકારશ્રીની ગાઈડ મુજબ ગણપતિ મૂર્તિની સ્થાપન અંગે માનવ જીંદગીને બચાવવા માટે તેમજ પર્યાવરણની જાગૃતિ માટે માટીના અથવા ઈકોફેન્ડલી ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવું અત્યંત જરૂરી છે. તેમજ હાલની કોરોનાની મહામારી વચ્ચે લાગણી અને ઉત્સાહમાં ન આવીએ અને નિયમોનું ઉલ્લધન ન કરીએ, આપણી સ્વૈચ્છિક જવાબદારી લઈ મહામારી ફેલાવામાં નિમીત ન બનીએ તેનું ઘ્યાન રાખજો. માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના નિયમોનું ચુસ્ત પણે પાલન કરીએ. તેમના આ પ્રસ્તાવને સર્વે ગણપતિ મંડળના સંચાલકોએ સહર્ષ વધાવી લીધો હતો. અને આ વખતે માટીના ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવા માટે સહમતિ દર્શાવી હતી.

મોટી ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવાના બદલે કદનો વિચાર કર્યા વિના માત્ર શ્રઘ્ધા અને આસ્થાને ઘ્યાનમાં રાખીને ગણપતિના સ્થાપનના સમયે ઉચું સ્ટેજ બનાવી તેના ઉપર ગણપતિની નાની મૂર્તિને બિરાજમાન કરાવી પર્યાવરણની જાગૃતિ બાબતે શ્રઘ્ધા રાખવી ખુબજ જરૂરી છે. તેમ જણાવ્યું હતું. જે પ્રસ્તાવને પણ સહમતિ દર્શાવાઈ હતી. જામનગર શહેરમાં પણ કેટલાક મૂર્તિકારો દ્વારા માત્ર ને માત્ર માટીમાંથી જ ચાર ફુટથી માંડીને પાંચ ઈંચ સુધીની નાની મોટી સુંદર અને કલાત્મક ગણપતિની મૂર્તિઓ બનાવે છે. જે તમામ મૂર્તિઓને બેઠકના સ્થળ પર ગોઠવી નિદર્શન કરાવ્યું હતુ.

તેમજ માટીના ગણપતિ બનાવનારને વેચાણ કરવા માટે શહેરમાં જગ્યા મળતી ન હોય તેવી વેપારીઓની રજુઆતને ઘ્યાને લઈ જીતુભાઈ લાલે જણાવેલ કે શહેરમાં ચાર જગ્યા જેમાં ૧) ગાંધીનગર રોડ પર સર્વમંગલ પાર્ટી પ્લોટ , ર) હરીયા કોલેજ રોડ, કુદરત રેસીડેન્સીની બાજુમાં, ૩) હાપા માર્કેટીંગ યાર્ડની બાજુમાં, ફુ્રટ માર્કેટ સામેની જગ્યા, ૪) લાલપુર રોડ પર કિર્તીપાનની બાજુમાં નવા ૪પ મીટર રોડ પર આવેલ ચારેય જગ્યામાં તમો માત્ર ને માત્ર માટીના અને ઈકોફેન્ડલી ગણપતિની મુર્તિનું વેચાણ કરી શકશો જેના માટે વેપારીઓ પાસેથી કોઈપણ જાતનુ ભાડું લીધા વગર જગ્યાનો ઉપયોગ કરી શકશો.

આ બેઠકમાં હાજર રહેનારાએ ઈકોફેન્ડલી ગણપતિ મૂર્તિનું જ સ્થાપન કરવામાં સહમતિ દર્શાવનારા તમામ ગણપતિ મંડળના સંચાલકોનો ટ્રસ્ટી શ્રી જીતુભાઈ લાલે આભાર વ્યકત કર્યો હતો. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવર્ચન અને સંચાલન ગીરીશભાઈ ગણાત્રાએ કરેલ હતું અને આ બેઠકમાં ઉપસ્થિત મૂર્તિ કલાકારોએ શ્રી જીતુભાઈ લાલને ગણપતિની મૂર્તિ આપી અભિવાદન કરેલ હતું. તેમજ લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા સફળતા સહયોગ બદલ આભાર પ્રદર્શીત કર્યો હતો. જુદા જુદા ગણપતિ પંડાલના સંચાલકોએ એમના પ્રશ્નો અને સુચનો રજુ કર્યા હતા.

(1:12 pm IST)