Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

કચ્છમાં ઉકળતા તેલમાં હાથ બોળાવીને સતના પારખા કરાવનાર ૧૦ સામે ફરિયાદ

કચ્છના રાપરમાં સતના પારખા : વહુના માવતર પક્ષના ૬ જણના હાથ ઉકળતા તેલમાં બોળાવ્યા : પૂછપરછ કરી લગ્ન બાદ વહુ અન્ય સાથે નાસી જતાં વેવાઈ પરિવારની નિર્દોષતા સાબિત કરવા માટે અંધશ્રદ્ઘાનો આશરો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૨ : આજે ભલે ડિજિટલ યુગ આવ્યો હોય પણ અંધશ્રદ્ઘા આજેય જીવંત છે. કચ્છના રાપરમાં સતના પારખા કરવાની બનેલી ઘટના ખળભળાટ સર્જવાની સાથે આપણી આંખ ઉઘાડનારી છે.

રાપરના ગેડી ગામમાં યુવા પરિણીતા લગ્ન બાદ અન્ય સાથે નાસી છુટતાં સાસરિયા પરિવારે વહુના માવિત્ર પરિવારની નિર્દોષતા સાબિત કરવા ૬ જણના હાથ ઉકળતા તેલમાં બોળવીને સતના પારખા લીધા હતા. ચકચાર સર્જતી આ ઘટના અંગે હમીરપર ગામ પાસે ભકતા વાંઢમાં રહેતા કોલી પરિવારના હીરા ધરમશી પરમારે ગેડી ગામના રત્ના કાના કોલી સહિત ૧૦ શખ્સો સામે પોલીસ ફરિયાદ લખાવી છે. જે અનુસાર તેમના પરિવારની દીકરી ગેડી ગામના રત્ના કાના કોલીને પરણાવી હતી. જે લગ્નના દોઢ મહિના પછી અન્ય સાથે નાસી છૂટી હોઈ બન્ને પરિવાર વચ્ચે વિવાદ ચાલતો હતો. તે દરમ્યાન રત્ના અને તેના પરિવારના અન્યોએ પોતાની વહુના માવિત્ર પક્ષના હીરા પરમાર સહિત ૬ જણાને સમાધાન માટે મેલડી માતાના મંદિરે બોલાવ્યા હતા.

અહી જમાઈ રત્નાએ સામેવાળા પક્ષના હીરા અને અન્યો ઉપર પોતાની વહુને ભગાડી અન્યત્ર વેચી નાખવાનો આરોપ મૂકી જો તેઓ નિર્દોષ હોય તો ઉકળતા તેલમાં હાથ બોળી નિર્દોષતા સાબિત કરવા દબાણ કર્યું હતું. સતના પારખા કરાવવાના આ બનાવમાં આરોપીઓ રત્ના કાના કોલી અને અન્ય નવ મળી કુલ દસ જણાએ ધારિયા કુહાડી જેવા હથિયારો રાખી ઉકળતા તેલમાં હાથ નાખવા તેમને મજબૂર કર્યા હતા. જેને પગલે હીરા ધરમશી પરમાર સહિત ૬ જણાએ મજબૂરીથી પોતાના હાથ ઉકળતા તેલમાં નાખતા તેઓ દાઝી ગયા હતા. સતના પારખા કરાવાયા બાદ ૬ જણાએ રાપર હોસ્પિટલમાં પહોંચી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓ રત્ના કાના કોલી સહિત દસ સામે ફરિયાદ લખાવી છે. આ ચકચારી ઘટનાની તપાસ રાપર પોલીસે હાથ ધરી છે.

(11:34 am IST)