Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સોમનાથમાં ૭૦૦ બિલ્વવૃક્ષોથી લહેરાતુ ઉપવનઃ દરરોજ સવા લાખ બિલ્વપત્રોનો અભિષેક

ટ્રેકટર કે રેંકડી મારફત બિલીપત્ર મંદિરે પહોંચાડાય છે, આગલા દિવસના બિલ્વપત્રનો ગાર્બેટ પ્રોસેસીંગ કરીને ખાતર બનાવીને બિલ્વવનના વૃક્ષોના થડમાં અપાય છેઃ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુચારૂ વ્યવસ્થા

(મીનાક્ષી - ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧ર :.. શ્રાવણ માસ પવિત્ર અને મહિમાવંતો છે. શિવ ઉપાસના એટલે શ્રેયની ઉપાસના. શિવોપાસનામાં બિલ્વાર્પણ એક અનિવાર્ય અંગ છે.

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરરોજના સવાલક્ષ બિલ્વપત્રોનો અભિષેક કરાય છે. સંપૂર્ણ શ્રાવણ માસ અંતે કરોડોની સંખ્યામાં બિલ્વપત્રો ભગવાન ભોળાનાથને 'ઓમ નમઃ શિવાય' ના પવિત્ર મંત્રોચ્ચાર સાથે ભાવિકો તરફથી ચઢાવવામાં આવે છે.

સોમનાથ મંદિરને આટલો વિશાળ બિલ્વપાનોનો જથ્થો સોમનાથ ટ્રસ્ટ હસ્તકનું બિલ્વવન પુરૃં પાડે છે. સોમનાથ ટ્રસ્ટી -સચિવ પ્રવિણભાઇ લહેરી તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ અંગે સુચારૂરૂપ શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ગોઠવી છે.

વેરાવળ-ઉના હાઇવે ઉપર સોમનાથ ટ્રસ્ટનું લીલુછમ ઘટાદાર બિલ્વવન આવેલું છે. જેની સ્થાપના વર્ષ ર૦૦૧ માં સોમનાથ મંદિરે મંદિરની વિશાળ માગ અને જરૂરીયાત માટે આ વન ઉભુ કર્યુ છે. જેમાં ૭પ૦ જેટલા બિલ્વવૃક્ષો પથરાયેલાં છે.

મંદિરની દૈનિક પૂજામાં અને ભાવિકો તરફથી નોંધાવવામાં આવેલ બિલીપત્ર પૂજા માટે અહીંથી બારેય માસ બિલીપત્રો મંદિર સુધી પહોંચાડાય છે.

જેમાં કાયમ માટે બે બેગ સોમનાથ મંદિર તથા અહલ્યાબાઇ સોમનાથ મંદિરે પહોંચાડાય છે પરંતુ પવિત્ર શ્રાવણ માસમાં ૧ર થી ૧૩ બેગ એટલે આપણી દેશીભાષામાં કોથળા કે બારદાન મોકલાતા હોય છે.

પવિત્ર શ્રાવણ માસમાં બિલીવન ખાતે આ માટે ૧૪ જેટલા લોકો વહેલી સવારથી સાંજ સુધી કાર્યરત હોય છે.

બિલ્વવૃક્ષ ઉપરથી બિલ્વપાન ચૂંટવાનું કામ પણ આકરૃં હોય છે કારણ કે ઝાડની ડાળીમાં ઠેરઠેર અણીદાર શૂળ ભોંકે તેવા કાંટા હોય છે જે અવારનવાર લાગતા પણ હોય છે. લોહી પણ નીકળે છે.

ેએક ટીમ વૃક્ષ ઉપરથી ઝાડ ડાળીઓ તોડી નીચે લાવે છે જે ડાળીઓ એકઠી કરી ૧૦ થી ૧ર જેટલા બહેનો-ભાઇઓ તે ડાળીમાંથી ત્રણ પાંદડાના બિલ્વપત્રને છૂટાં પાડી તેનો અલગ ઢગલો કરે છે.

તેને સાફ કરી ભીના કપડામાં રાખી બધાયને ભેગાં કરી સાંજે પાંચ વાગ્યે ખાસ રેકડી કે ટ્રેકટરમાં સોમનાથ મંદિરે પહોંચાડાય છે અને ત્યાં પૂજા વિભાગ દ્વારા બિલીપત્ર પૂજન વિભાગ સુધી પહોંચે છે.

વળતી ફેરે તે રેંકડીમાં સોમનાથ મહાદેવને આગલા દિવસે ચઢાવાયેલ ફુલ-બિલ્વપત્રો - હાર શણગારના ફુલો રેંકડીમાં લઇ જઇ બિલ્વવનમાં  તેનો ખાસ ઢગલો કરી અને તે શિવ નિર્માણને ગાર્બેટ પ્રોસેસીંગ કરી તેનું જ પાછું ખાતર બનાવી - સદઉપયોગ કરી તે જ બિલ્વવનમાં વૃક્ષોનાં થડોમાં નખાય છે. આમ તેરા તૂજકો અર્પણની દિવ્ય ભાવના જળવાય છે.

ધર્મ માન્યતાઓને મતે બિલ્વવૃક્ષ ભગવાન શંકરનું સ્વરૂપ છે. અને બિલ્વપત્ર વગર શિવપૂજા અધુરી ગણાય છે.

મહાદેવને બિલ્વપત્ર-વૃક્ષ સદાય પ્રિય છે. અને ભાવિકો બિલ્વપત્રમાં બ્રહ્મા-વિષ્ણુ - મહેશ સ્વરૂપ પણ અનુભુતિ કરે છે.

બિલ્વપત્રનું આધ્યાત્મિક તેમજ ઔષધિય મહત્વ છે. તો બિલ્વફળ આરોગ્ય માટે ગુણકારી છે.

બિલ્વવૃક્ષની ઉત્પતિ સાથે મહાદેવજીનું મહાત્મય જોડાયેલું છે.

સોમનાથ ટ્રસ્ટ - ટ્રસ્ટી - સચિવ પ્રવિણભાઇ લહેરીના સુંદર પ્રયાસોથી સોમનાથ મંદિર બિલ્વપત્રો મંદિર જરૂરતો માટે મેળવવામાં આત્મનિર્ભર બન્યું છે તથા સોમનાથ તીર્થની દિવ્યતા આ વનથી મહોરી ઉઠી સાર્થક થઇ છે.

(11:32 am IST)