Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

મિશ્ર હવામાન યથાવત : લજાઇમાં મેઘરાજાને રીઝવવાં ઢુંઢીયાબાપાને ફેરવ્યા

આખો દિવસ ધુપ-છાંવ સાથે બફારો : સાર્વત્રિક વરસાદ ન વરસે તો પાકને નુકશાની

રાજકોટ,તા.૧૨ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે આખો દિવસ છુપ-છાંવનો માહોલ અનુભવાય છે અને બફારો વર્તાય છે.

સાર્વત્રિક વરસાદ ન વરસે તો હવે પાકને ભારે નુકશાન થવાની દહેશત છે.

ટંકારા

 (ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા : ઓણસાલ મેઘરાજાએ રૂસણા લેતા ધરતીપુત્રો બાદ હવે નાના ભૂલકાઓ પણ ચિંતિત બન્યા છે ત્યારે મેઘરાજાને રીઝવવા માટે લજાઈ ગૌશાળા ગોપી મંડળ સાથે ભૂલકાઓ ઢૂંઢિયા બાપા ને શેરી અને ગલીઓમાં સુધી લઈ જઈ મેઘરાજને હેત વરસાવવા કાકલૂદી કરી હતી.

ચાલુ વર્ષે ચોમાસુ સીઝનમાં અપૂરતો વરસાદ વરસ્યો છે અને હમણા વરસાદની ખાસ જરૂર છે અને તમામ લોકો મેઘરાજાને રીઝવવા માટે ધૂન, ભજન વગેરે કાર્યો કરે છે, જયારે લજાઈ ગૌશાળા ગોપી મંડળ આજરોજ મેઘરાજાને રીઝવવા માટે ઢૂંઢિયાબાપા શેરી ગલીઓમાં સુધી લઈ જઈ વરસાદ માટે મેઘરાજાને વિનંતી કરી હતી.વધુમાં ગોપી મંડળ દ્વારા શેરીઓ અને ગલીઓમાં ઢૂંઢિયાબાપા મેં વરસાવો'સુંડલે સુપડે મે વરસાવો' ની વિનંતી સાથે સવારી કાઢી હતી અને લોકોએ પાણીની વર્ષા કરી ઢૂંઢિયા બાપાને વધાવ્યા હતા.

(11:00 am IST)