Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

રાપરના ગેડી ગામે અંધશ્રદ્ધાના કારણે જમાઈએ સસરા અને અન્ય પાંચ લોકોના હાથ ઉકળતા તેલમાં નખાવ્યા

સસરા પક્ષના લોકો પર વહેમ રાખી મારી પત્નીને તમે ભગાડી મૂકી છે અથવા વેચી દીધી છે કહીને ગરમ તેલના તપેલામાં હાથ નાખવા કહ્યું :ના પાડતા ધોકા લાકડી સહિતના હથિયારો સાથે ધાકધમકી આપી સસરા પક્ષના છ લોકોના હાથ ગરમ તેલમાં નખાવ્યા

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગેડી ગામે અંધશ્રદ્ધાના કારણે જમાઈએ અન્ય શખ્સો સાથે મળી તેના સસરા અને અન્ય પાંચ લોકોના હાથ ઉકળતા તેલમાં નખાવવામાં આવ્યા.આ ઘટના સામે આવતા જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. 6 લોકો દાઝી જતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે. તો બીજી તરફ આ મામલે પોલીસમાં જાણવાજોગ દાખલ કરાતા પોલીસે તપાસ શરૂ કરી છે .

રાપર તાલુકાના હમીરપર ગામની નજીક આવેલી ભક્તિ વાંઢની કન્યાના લગ્ન ગેડી ગામે રત્ના કાના સાથે સમાજના રીતિ રીવાજ મુજબ થયા હતા. પરંતુ બે માસ પહેલા જમાઈ સાથે પિયર આવેલી દીકરી જમાઈના ગયા બાદ થોડા દિવસમાં જ ગુમ થઈ ગઈ હતી. જે અંગે બન્ને પક્ષના લોકોએ તપાસ કરી હતી, પરંતુ પરિણીતાનો કોઈ પત્તો લાગ્યો ન હોતો. આ અંગે બન્ને પક્ષે વાદ વિવાદ ચાલી રહ્યો હતો દરમ્યાન ગઈકાલે જમાઈ સહિત સાસરા પક્ષના કુલ 9 લોકો દ્વારા પિયર પક્ષના સસરા હીરા ધરમશી સહિત કુલ 6 વ્યક્તિને સમાધાન કરવા ગેડી ગામે બોલાવ્યા હતા ત્યાંથી નજીક આવેલા માતાજીના મંદિરે લઈ જવાયા હતા. બન્ને પક્ષના લોકો મંદિરે પહોંચ્યા બાદ જમાઈ દ્વારા સસરા પક્ષના લોકો પર વહેમ રાખી મારી પત્નીને તમે ભગાડી મૂકી છે અથવા વેચી દીધી છે એવું કહેવાયા બાદ જો આમ ના કર્યું હોય તો પહેલાથી તૈયાર રાખવામાં આવેલા તેલના ગરમ કડેયામાં હાથ નાખવાનું કહેવામાં આવ્યું હતું તેમ કરવામાં ના આવતા ધોકા લાકડી સહિતના હથિયારો સાથે ધાકધમકી કરી સસરા પક્ષના છ લોકોના હાથ ગરમ તેલમાં નખાવ્યા હતા. આ ઘટનાને પગલે તમામ છ લોકોના હાથ બળી જતા રાપર સરકારી દવાખાને આજે સારવાર માટે આવતા પોલીસમાં જાણ કરાઈ હતી. પોલીસે હીરા ધરમશીના નિવેદન પરથી ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

(12:54 am IST)