Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

મોરબી ગુન્હેગારોને સખત સજા મળે તે માટે પોલીસતંત્ર અને સરકારી વકીલો વચ્ચે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે બેઠક યોજાઈ.

જિલ્લા પોલીસવડા કચેરી ખાતે પહેલી વખત ઐતિહાસિક ગેટટુગેધરમાં ખૂટતી કડીઓ દૂર કરવા સહમતી

મોરબી : અપરાધીઓને કાયદા મુજબ કડકમાં કડક સજા મળે તે માટે તપાસનીશ પોલીસ અધિકારી અને સરકારી વકીલો વચ્ચે તાલમેલ અત્યંત આવશ્યક હોય છે ત્યારે પોલીસ અને સરકારી વકીલો વચ્ચે સાયુજ્ય સાધવા મોરબીમાં ઐતિહાસિક કહી શકાય તેવું પહેલું ગેટ ટુ ગેધર યોજાયું હતું. જેમાં જિલ્લા પોલીસવડાથી લઇ તમામ સરકારી વકીલો હાજર રહ્યા હતા.


મોરબીના જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની અને જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાના સનિષ્ઠ પ્રયાસથી મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે સરકારી વકીલો અને પોલીસ અધિકારીઓનું ગેટ ટુ ગેધર યોજાયું હતું. ઐતિહાસિક કહી શકાય તેવા આ ગેટ ટુ ગેધર મિટિંગનો ઉદેશ્ય જણાવતા જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની કહે છે કે કોઈપણ ગુન્હામાં સંડોવાયેલ અપરાધીને કડકમાં કડક સજા માટે તપાસનીશ પોલીસ અધિકારી અને સરકારી વકીલ વચ્ચે સુમેળ અને તાલમેલ જરૂરી હોય આ આયોજન કરાયું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા પોલીસવડા, ત્રણેય નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક, તમામ પોલીસ ઇન્સ્પેકટર, તમામ પોલીસ સબ ઇન્સ્પેકટર તેમજ જિલ્લાના તમામ સરકારી વકીલો હાજર રહ્યા હતા. આ બેઠકમાં કોઇપણ કેસની તપાસ સ્થિતિએ રહેતી ત્રુટીઓ સહિતની બાબતે સરકારી વકીલો અને પોલીસ અધિકારીઓ દ્વારા ખુલ્લા મને ચર્ચા-વિચારણા કરી આવનાર સમયમાં કો-ઓર્ડિનેશન સાથે કામ કરવા અને ગુન્હેગારોને કડકમાં કડક સજા થાય તે માટે સહિયારા પ્રયાસો કરવા નક્કી કરાયું હતું.

(10:16 pm IST)