Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ વચ્ચે ૪ ડેમમાં ૦ાા થી ૯ ફુટ નવા પાણીની આવક

દ્વારકાના સોનમતીમાં ૯.૧૯ ફૂટ, રાજકોટના વેણુ-૨માં ૧.૩૧ ફૂટ અને સુરેન્દ્રનગરના વાંસલ તથા ત્રિવેણી ઠાંગામાં ૦ાા - ૦ાા ફૂટ નવા નીરની આવક

રાજકોટ, તા. ૧૨ :. છેલ્લા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ જામ્યો છે. આ દરમિયાન રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના રાજકોટ, દ્વારકા, સુરેન્દ્રનગર જીલ્લાના ૪ ડેમમાં અડધાથી ૯ ફૂટ જેટલા નવા પાણીની આવક નોંધાઈ છે.

આ અંગે રાજકોટ સિંચાઈ વર્તુળના કંટ્રોલ રૂમે ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલ નવા પાણીની આવકના આંકડાઓ જાહેર કર્યા મુજબ દ્વારકા જીલ્લાના સોનમતી ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯.૧૯ ફૂટ નવુ પાણી આવતા ૩૪.૨૮ ફૂટ ઉંડા આ ડેમની હાલની સપાટી ૨૧.૩૦ ફુટે પહોંચી ગઈ છે.

જ્યારે સુરેન્દ્રનગર જીલ્લાના વાંસલ ડેમ અને ત્રિવેણી ઠાંગા આ બન્ને ડેમમાં ૦.૬૬ એટલે કે ૦ાા ફૂટ નવા પાણીની આવક છેલ્લા ૨૪ કલાક દરમિયાન થઈ છે.

આ ઉપરાંત રાજકોટ જિલ્લાનાં વેણુ-૨ ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧.૩૧ ફૂટ જેટલુ નવુ પાણી આવતા ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. કુલ ૫૪.૧૩ ફુટ ઉંડા આ ડેમની હાલની સપાટી ૬.૯૦ ફુુટે પહોંચી છે.

જો કે રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા આજી-૧, ન્યારી-૧ કે ભાદર-૧માં નવા પાણીની કોઈ આવક નથી નોંધાઈ. તેવી જ રીતે પોરબંદર, અમરેલી, મોરબી જીલ્લાના કોઈપણ ડેમમાં નવા પાણીની કોઈ આવક નથી નોંધાઈ.

(3:12 pm IST)