Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

વેરાવળમાં કોંગ્રેસની નવી કારોબારી રચાઇ ભાવ વધારા સામે સાયકલ રેલી યોજાઇ

વેરાવળ, તા.૧૨: સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાની સંમતી અન્વયે   વેરાવળ તાલુકો અને વેરાવળ શહેરની વિસ્તૃત કારોબારીની રચના કરવાં માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જૂની કારોબારીને રદ કરી નવી કારોબારીની રચના કરવામાં આવેલ હતી અને નિમણુક પામેલા તમામ હોદેદારોને નિમણુંક પત્ર આપવામાં આવેલ હતા. આ તકે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા  જે લોકોની સંગઠનમાં નિમણુક કરેલ છે તેઓએ સાચી રીતે સંગઠનમાં રહી નિષ્ઠાથી ફરજ બજાવવા અને સંગઠન મજબૂત કરવા સૂચન કરેલ હતું અને વધુમાં જણાવેલ કે ભાજપ સરકાર જયારે જયારે ચુંટણી લડે છે ત્યારે તેમની રણનીતિ લોકોને સમજમાં આવી ગયેલ છે અને ભાજપની રણનીતી ચાલે તેમ નથી અને ભાજપ પક્ષ કોરોનાની બીમારી સામે સાવ નિષ્ફળ ગયેલ છે અને લોકોને રસીકરણ કરાવી શકેલ નથી અને રસી પણ મળતી ન હોવાથી લોકો રસીકરણ કરી શકેલ નથી તથા ઓકિસજનની બોટલોની વ્યવસ્થા કરાવી શકેલ નથી અને દરેક સરકારી દવાખાને બેડની પણ પૂરતી વ્યવસ્થા કરવી શકેલ નથી, જરૂરી સમયે  લોકડાઉન પણ ન કરી ભાજપ સરકારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરેલ છે. જેના કારણે લખો લોકોએ જીવ ગુમાવ્યા છે, આમ લોકો હવે ભાજપ સરકારની નીતિ જાણી ગયેલ છે. જે નીતિ હવે ફાવે તેમ નથી.  

તે ઉપરાંત આ ભાજપ સરકાર દ્વારા ડીઝલ-પેટ્રોલ તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુ જેવી કે કઠોળ, શાકભાજી, કરિયાણું વિગેરેના ભાવો પણ આસમાને જતાં કર્યા છે અને દરેક વસ્તુમાં ભાવ વધારો કરેલ છે, જેથી સામાન્ય તથા મધ્યમ વર્ગના લોકોને તેમનુ ઘર ચલાવવાનું અતિ મુશ્કેલ થયેલ છે અને કોરોનાની બીમારી સાથે સાથે તોતિંગ ભાવ વધારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયેલ છે. જે ભાવ વધારા તથા ડીઝલ-પેટ્રોલના ભાવ વધારા સામે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ કોંગ્રેસ કાર્યકરો સાથે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ, જે સાયકલ રેલી દ્વારા સરકારના આંખ-કાન ખોલવાનો એક પ્રયાસ કરેલ છે જેથી સરકાર જાગે અને ભાવ વધારો પાછો ખેંચે અને લોકોને ભાવ વધારાથી જીવન જીવવામાં થતી મુશ્કેલી નિવારી શકાય, આમ ભાજપ સરકારના વાણી વર્તન અને ભાવ વધારો કરેલ તેમાં સુધારો કરવા અને આંખ કાન ખોલવાનો પ્રયાસ ધારસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા કરવામાં આવેલ છે.  વેરાવળ તાલુકા અને વેરાવળ શહેરની વિસ્તૃત કારોબારી સમિતિ અને સાયકાલ રેલી દરમિયાન જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઇ ગોહેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુભાઇ ડોડીયા, પ્રદેશ કોંગ્રેસ આગેવાન હીરાભાઈ જોટવા, જયકરભાઈ ચોટાઈ તથા જીલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને બહોળી સંખ્યામાં આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહેલ.

(3:11 pm IST)