Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ગુજરાતમાં રાજનીતિ કરવા માટે નહી પરંતુ રાજનીતિ બદલવા આવ્યા છીએ : ઇશુદાન ગઢવી સાવરકુંડલામાં

'આપ'નો જનસંવેદના કાર્યક્રમ : પીઢ રાજકીય અગ્રણી ધીરૂભાઇ જયાણી સહિતના 'આપ'માં જોડાયા : અમારી સરકાર આવશે તો દિલ્હીની યોજનાઓ ગુજરાતમાં અમલમાં મુકીશું : ગોપાલ ઇટાલીયા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૧૨ : સાવરકુંડલા ખાતે તા. ૧૦/૭ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા પટેલ વાડી ખાતે જનસંવેદના કાર્યક્રમ યોજાઇ ગયો. આ કાર્યક્રમમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, પ્રદેશ અગ્રણી ઇસુદાન ગઢવી, સુરત સ્થિત ઉદ્યોગપતિ અને આપના પ્રદેશ અગ્રણી મહેશભાઇ સવાણી, સુરતના આપના કોર્પોરેટર પાયલબેન સાકરીયા, સંગઠન મંત્રી નિમીષાબેન ખૂંટ સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત કોરોનામાં સ્વર્ગસ્થ થયેલા લોકોને શ્રધ્ધાંજલિ આપી કરવામાં આવી હતી. બાદમાં પ્રદેશ અગ્રણી ઇસુદાન ગઢવીએ ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિની આલોચના કરી જણાવ્યું હતું કે, અમો ગુજરાતમાં રાજનીતિ કરવા નહી પરંતુ રાજનીતિ બદલવા આવ્યા છીએ અને જણાવ્યું હતું કે, ૨૦૨૨માં ભાજપ જાય છે અને આપની સરકાર આવે છે.

ગોપાલ ઇટાલીયાએ ગુજરાત સરકારની આકરી ટીકા કરી લોકઉપયોગી યોજના આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઇ હોવાનું જણાવ્યું હતું અને ગુજરાતમાં આપની સરકાર આવશે તો દિલ્હીમાં ચાલતી લોકઉપયોગી યોજનાઓ અમલમાં મુકવામાં આવશે તેમ જણાવ્યું હતું. મહેશ સવાણીએ પણ ગુજરાતમાં ચાલતા બે પક્ષના રાજકારણમાં ત્રીજા પરિબળનો ઉદય થઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું.

જનસંવેદના કાર્યક્રમમાં સાવરકુંડલા શહેર અને તાલુકામાં સારૂ રાજકિય પ્રભુત્વ ધરાવતા પીઢ આગેવાન ધીરૂભાઇ જયાણી અને યુવાનોમાં પ્રિય યુવા ઉદ્યોગપતિ મુકેશભાઇ જયાણીએ આપનો ખેસ ધારણ કરતા અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીમાં નવો જોમ-જૂસ્સો ફેલાયો છે અને કાર્યક્રમમાં અસંખ્ય કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરેલ છે. જેમાં ભાજપ અનુ.મોરચાના પૂર્વ પ્રમુખ દેવજીભાઇ બાબરીયા, પૂર્વ કાઉન્સીલર રવિન્દ્ર યાદવ વગેરેએ ધીરૂભાઇ જયાણીના પગલે આપનો ખેસ ધારણ કરતા બધા કાર્યકરોને યુવા આગેવાન મુકેશભાઇ જયાણીએ આવકાર્યા હતા.

(1:26 pm IST)