Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

વર્તમાન પાલિકા બોડીનું સ્તુત્ય કાર્ય!!

ખંભાળિયા પાલિકાની ૨૫ વર્ષથી ચાલતી એમ્બ્યુલન્સ સેવામાં પાંચ કલાકમાં ઓકસિજન સેવા ઉમેરાઇૅ

ખંભાળીયા તા.૧૨ : પાલિકા દ્વારા રાહતભાવે નાની તથા એક મોટી એમ બે એમ્બ્યુલન્સ સેવાઓ પુરી પાડવામાં આવે છે જેમાં પચીસેક વર્ષથી આ ચાલતી સેવામાં હાલ ઓકસિજનની સવલત ઉપલબ્ધ ન હતી. હાલ કોરોના મહામારીમાં દર્દીઓને જામનગર લઇ જવા માટે એમ્બ્યુલન્સમાં ઓકસિજનની જરૂરત પડતી હોય અને ઇમરજન્સીમાં આ સેવા ન મળે તો પરેશાની થતી હોય ગઇકાલે એક ઇમરજન્સી કેસમાં ઓકસિજન સાથે એમ્બ્યુલન્સ ન મળતા દોડાદોડી થઇ ગઇ હતી.

આ બાબતે પાલિકાના પદાધિકારીઓ પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઇ રાયચુરા તથા કારોબારી ચેરમેન હીનાબેન આચાર્યએ તુરંત જ પાલીકા ચીફ ઓફીસર અતુલચંદ્ર સિંહા તથા ડગરાભાઇ સાથે સંકલન કરી માત્ર પાંચ જ કલાકમાં પાલિકાની બંને એમ્બ્યુલન્સમાં ઓકસિજન કીટ તથા સ્ટેન્ડ સાથે ફીટીંગ કરાવી આ સેવાઓ જનતાને મળે તે માટે ઉપલબ્ધ કરાવી હતી.

ખંભાળીયા પાલિકાની બંને એમ્બ્યુલન્સમાં હવે ઓકસિજનની સુવિધા પણ પ્રાપ્ત થશે જેથી શહેરની જનતામાં રાહતની લાગણી ફેલાઇ છે તથા પાલિકા તંત્રની ઝડપી કામગીરી પ્રશંસાપાત્ર બની છે.

(12:18 pm IST)